- રાતે મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી
- પોલીસે અકસ્માત નોંધ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
- ડોક્ટરની બેદરકારીને લઈને જ આ બનાવ બન્યો હોવાનું પણ ઉચ્ચાર્યું હતું
ઉમરેઠ તાલુકા પંચાયત પાસે આવેલ શ્રીજી હોસ્પિટલમાં ગુરૂવાર મોડી સાંજે સારવાર માટે લાવેલા છ માસના બાળકનું સારવાર દરમિયાન મોત થતા મૃતક બાળકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને એટલું જ નહી બાળકનો મૃતદેહ પણ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો જો કે હોબાળો વધતા ઉમરેઠ પોલીસ દ્વારા આખો મામલો શાંત પાડવામાં આવ્યો હતો અને અકસ્માત નોંધ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ઉમરેઠના બાજુમાં આવેલા એક ગામમાંથી બાળકને બીમાર પડતાં ઉમરેઠ નગરની શ્રીજી બાળકોની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યાં બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકને સારું છે તેમ કહી બાળકને ઈન્જેકશન આપવાના શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકની તબિયત સતત લથડતી ગઈ હતી અને અંતે બાળકે પહેલા દૂધ લેવાનું બંધ કરી દીધું હતું ને ત્યારબાદ શાંત પડી ગયું હતું જેને તપાસતા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતુ. બાળકને મૃત જાહેર કરાતાની સાથે જ બાળકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને એટલું જ નહી ડોક્ટરની બેદરકારીને લઈને જ આ બનાવ બન્યો હોવાનું પણ ઉચ્ચાર્યું હતું અને બાળકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી, જો કે મામલો આગળ વધતા ઉમરેઠ પોલીસે ઘટના સ્થળે દોડી હતી અને મામલો શાંત પાડયો હતો અને 174 મુજબ અકસ્માત નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હોવાનું જાણવા મળ્યું છે.
બાળકને ન્યુમોનિયા હતો : ડૉ.ચિરાગ શેઠ
આ બાબતે શ્રીજી હોસ્પિટલના ડૉ. ચિરાગ શેઠે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાળકને તાવ, શરદી સાથે ન્યુમોનિયા હતો અને તેમને અઠવાડિયા પહેલા દાખલ થવા જણાવ્યું હતું. જોકે કોઈ કારણોસર તે દાખલ થયા ન હતા અને સવાર સાંજ ઈન્જેકશન મૂકવાના ચાલુ રાખ્યા હતા. ગતરોજ તબિયત વધુ બગડતા અહી લાવ્યા હતા પરંતુ હૃદયના ધબકારા નબળા પડયા હતા તેનું સીપીઆર પણ કર્યું હતું જોકે તેમ છતાં બાળક મૃત્યુ પામ્યું હતું અને તેઓએ બાળકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.
ડોક્ટરે કહ્યું બધું સારું છે : નરગિસ બાનું
બાળકની માતાના જણાવ્યા અનુસાર, ડોક્ટર જ્યારે બાળકને જોવા માટે આવ્યા ત્યારે મે પૂછયું હતું કે બાળકને કેવું છે ? ત્યારે ડોકટરે બધુ સારું છે તેમ કહ્યું અને રિપોર્ટ કરવાની ના પાડી હતી અને ઈન્જેકશન મૂક્યું હતું, ઈન્જેકશન મૂક્યા બાદ બાળકે દૂધ પીવાનું બંધ કરી દીધું અને શાંત પડી ગયું હતું.
PM રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે : PI
આ બાબતે ઉમરેઠના પી.આઇ. જી. એમ.બાવરા સાથે ટેલિફોનીક વાત કરતા તેઓએ જણાવેલ કે ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં એક બાળક જે પાંચ માસ અને દસ દિવસનું જે 1-11-23 ના રોજ દાખલ કરવામાં આવ્યું હતું.જે તા.2/11/23ના રોજ સાંજના 7-00 કલાકે મૃત્યું પામ્યું છે તેમજ હાલ કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં હાલ ફોરેસીસ એક્સપાર્ટની મદદથી પી.એમ. ચાલુ છે જે પી.એમ રીપોર્ટ આવે તે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આપશે.


