બાંધકામ, ફાયર NOC મારામાં આવે નહી : DEO
સ્કૂલો પર ડોમ ખડકાયેલા હોય તેવા ફોટો અને વીડિયો મળવા છતાં પણ જિલ્લા શિક્ષણાધિકારી કાર્યવાહીમાં નિરસ
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે ભલભલા માણસોને ધ્રુજાવી દીધા છે. આ અગ્નિકાંડમાં ૧૨થી વધુ બાળકોનો ભોગ લેવાયો છે. ગેરકાયદેસર અને ફાયરની મંજૂરી ન લીધી હોવાથી આ કાંડ થયો હોવાનું જગજાહેર થયું છે ત્યારે રાજકોટની મોટા ભાગની સ્કુલોમાં ગેરકાયદેસર બાંધકામ અને ડોમ ખડકી દેવામાં આવ્યા છે તેમજ ફાયર એનઓસીના પણ કોઇ ઠેકાણા નહી હોવાનું કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જે અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ બેજવાબદારીપૂર્ણ જવાબ આપતા કહ્યું હતું કે બાંધકામ, ફાયર એનઓસી અમારામાં ન આવે.
આ અંગે રાજકોટ કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં મોટાભાગની સ્કુલો પર ગેરકાયદેસર પતરાના ડોમ ખડકી દેવામાં આવ્યા છે. જે અંગેની રજુઆત રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને ફોટા અને વીડિયો દ્વારા રૂબરૂ કરવામાં આવી હતી. રજુઆત સમયે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે ફાયર અને એનઓસી અમારી અંડરમાં આવતું નથી. અમે માત્ર શિક્ષણની ગુણવત્તા જળવાય છે કે નહી તે બાબતની તપાસ કરી શકીએ.
ગેરકાયદેસર ડોમ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી અમને ઉપર લેવલથી કોઇપણ જાતના આદેશ આપવામાં આવ્યા નથી અને આદેશ આપવામાં આવશે તો પોલીસ અને મનપાને સાથે રાખી સ્કુલોમાં ચકાસણી કરવામાં આવશે. ત્યારે પાંચ લાખ વિદ્યાર્થીઓની જીંદગીનો સવાલ હોય, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તપાસ કરવાના બદલે આદેશોની રાહ જોઇ રહ્યા છે તે કેટલું વ્યાજબી ગણાય તેવા સવાલો વાલીઓમાં અને જાગૃત જનતામાં ઉઠી રહ્યાં છે.


