કોંગ્રેસના અગ્રણીઓ મોરબી ઝુલતાપુલ, વડોદરામાં હરણીલેક અને સુરતમાં તક્ષશિલા કાંડના પીડિતોને મળ્યા
લાલજી દેસાઇ, જીજ્ઞેશ મેવાણી, પાલ આંબલીયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓએ કમાન સંભાળી
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનની પ્રથમ માસિક પુણ્યતિથિએ પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધને સફળતા મળ્યા બાદ રાજય સરકારની ગુનેગારોને બચાવવાની નીતિ સામે હવે કોંગ્રેસ રાજય વ્યાપી આંદોલન માટે સજ્જ બની છે. કોંગ્રેસના અગ્રણીઓએ મોરબી ઝુલતાપુલના પીડિતો, વડોદરા હરણીલેકના પીડિતો તથા સુરત તક્ષશિલાકાંડના પીડિતોને મળી તેમને ન્યાય અપાવવા રાજય વ્યાપી આંદોલન માટે કમર કસી છે. કોંગ્રેસના લડાયક નેતા જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઇ અને પાલ આંબલીયાએ ગુજરાતનો પ્રવાસ શરૂ કરી જુદા-જુદા કાંડમાં ભોગ બનેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાના આ આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી છે.
રાજકોટ અગ્નિકાંડના મુદ્દે ભાજપ સરકાર ભીંસમાં છે. રાજય સરકાર અસરકારક પગલા લેવાને બદલે છાવરતાં હોવાથી સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે. હાઇકોર્ટે લાલ આંખ કરતાં સીટ ઉપરાંત અન્ય તપાસ કમિટીની રચના કરવી પડી છે જે સરકારની નિષ્ક્રિયતા છતી કરે છે. કોંગ્રેસે પણ આરોપ મુકયો છે કે નાની માછલીઓ પકડાઇ છે પણ સરકાર મગરમચ્છોને પકડતી નથી. આ ગેમઝોન અગ્નિકાંડ સંવેદનશીલ મુદ્દો હોઇ લોકસભાની ચૂંટણી પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસે પહેલીવાર વિપક્ષ તરીકે અસરકારક ભૂમિકા અદા કરી હતી.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સહિતના નેતાઓએ ૧૫-૧૫ દિવસ રાજકોટમાં ધામા નાંખ્યા હતાં. પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવ કરી પીડિતોના ન્યાયની લડતના મંડાણ કર્યા જેના કારણોસર રાજકોટમાં કોંગ્રેસને જાણે શહેરીજનોઓ આવકાર સાંપડયો હતો. પરિણામ એ આવ્યું કે માત્ર કોંગ્રેસના નેતાઓની વિનંતી આધારે જ રાજકોટ સજ્જડ બંધ રહ્યું હતું. બંધની માત્ર રાજકોટ પુરતી નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં અસર વર્તાઇ છે. બીજી તરફ રાજકોટ ભાજપના એકેય ધારાસભ્ય-નેતા પીડિત પરિવારોને સાંત્વના આપવા ન ગયાં. સરકાર પણ અગ્નિકાંડમાં સંડોવાયેલા ભાજપના નેતાઓને બચાવવા મથામણ કરી રહી છે. આ જોતાં રાજકોટવાસીઓએ બંધ પાળીને ભાજપને આડકતરો સંદેશ આપી દીધો છે. બંધની સફળતાને પગલે કોંગ્રેસે રાજકોટ પર રાજકીય પરદંડો જમાવી લીધો છે જેના કારણે ગુજરાત ભાજપના નેતાઓની ચિંતા વધી છે. અત્યારે તો રાજય સરકાર અને ભાજપ રાજકોટવાસીઓનો રોષ કેવી રીતે ઠારવો તે અંગે વિચારમાં છે. આ મામલે દિલ્હીથી માર્ગદર્શન પણ મેળવાયું છે.


