- મોલ અને હોસ્પિટલમાં AMCએ આદરી તપાસ
- શિવરંજની આર્ટીસન હોસ્પિટલમાં તપાસ
- હોસ્પિટલમાં જોવા મળ્યો ફાયર સેફ્ટીનો અભાવ
રાજકોટના TRP ગેમઝોન ખાતે લાગેલી આગ ફાયર સેફટીના અભાવે એટલી ભીષણ બની ગઈ કે 28 લોકોના ભોગ લેવાયા. આ ગોઝારી દુર્ઘટનાના એવા પડઘા પડ્યા કે ફાયર સેફટીને લઈને વર્ષોથી કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું આખા રાજ્યનું તંત્ર સફાળું જાગી ગયું અને જાહેર એકમોની તપાસ કરવામાં આગી ગયું. ત્યારે, અત્યાર સુધી માત્ર ગેમઝોનની તપાસ કરી રહેલા AMC તંત્ર દ્વારા હવે શહેરની હોસ્પિટલો અને મોલ ખાતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ હરકતમાં આવેલા AMC તંત્ર દ્વારા શહેરના જુદા જુદા ગેમ ઝોન બાદ હવે મોલ અને હોસ્પિટલોમાં પણ તપાસ શરૂ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ શહેરના મોલ અને હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈને તપાસ કરી રહી છે અને જો કોઈ ખામી દેખાય તો કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ત્યારે, અમદાવાદના શિવરંજની આર્ટીસન હોસ્પિટલમાં એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. અહી ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. ફાયર સિલિન્ડર જૂના હોવાનું માલુમ પડ્યું હતું તેમજ ફાયર NOC પણ જૂની હોવાનું સામે આવ્યું હતું. તો સાથે સાથે ખુલ્લા વાયર પણ જોવા મળ્યા હતા. હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટીની ક્ષતિનાં કારણે હોસ્પિટલ સિલ કરવામાં આવી શકે છે.


