- કતારના અમીર શેખને પીએમ મોદીએ આપ્યું ભારત આવવા આમંત્રણ
- વડાપ્રધાન મોદીએ શેખ તમીમના પિતા સાથે પણ મુલાકાત કરી
- 2028માં પૂર્ણ થતો ભારત-કતાર વચ્ચેનો ગેસ સપ્લાય કરાર લંબાવાયો
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે દોહામાં તેમના મહેલમાં મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીના આગમન પર અમીરી પેલેસ ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, બંને પક્ષોએ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરી. ચર્ચાઓમાં આર્થિક સહયોગ, રોકાણ, ઉર્જા ભાગીદારી, અંતરીક્ષ સહયોગ, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાંસ્કૃતિક બંધનો અને પીપલ-ટૂ-પીપલ સંબંધો સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
આઠ ભારતીયોની મુક્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કતારના અમીર શેખ તમીમ સાથે આ પ્રથમ મુલાકાત હતી. કતારના અમીર શેખ તમીમ સાથે મુલાકાત કરતા પહેલા પીએમ મોદીએ દોહામાં કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. આ બેઠકને લઈને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, “કતારના પીએમ અલ થાની સાથે આ એક શાનદાર મુલાકાત થઈ, અમે ભારત-કતાર મિત્રતાને પ્રોત્સાહન આપવાના માર્ગો પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ ભારત-કતાર ભાગીદારી અંગે ચર્ચા કરી. આગળ ઉમેરતા, તેમણે કતારના વડાપ્રધાન સાથે પણ અર્થપૂર્ણ મુલાકાત કરી.
અમીર શેખને ભારત આવવા આમંત્રણ આપ્યું
પીએમ મોદીએ કતારમાં આઠ લાખથી વધુ મજબૂત ભારતીય સમુદાયની કાળજી લેવા બદલ અમીરનો આભાર માન્યો હતો અને કતાર સાથે દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તૃત અને ગાઢ બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે અમીરને ટૂંક સમયમાં ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. શેખ તમિમે તેમના તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનાઓનો પ્રતિભાવ પણ આપ્યો અને ખાડી ક્ષેત્રમાં મૂલ્યવાન ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કતારના વિકાસમાં વાયબ્રન્ટ ભારતીય સમુદાયની ભાગીદારી અને ગલ્ફ દેશમાં આયોજિત વિવિધ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં તેમની ઉત્સાહપૂર્વક ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીના માનમાં આયોજિત અમીરી પેલેસમાં બપોરના ભોજન બાદ બેઠક યોજાઈ હતી.
પીએમ મોદીએ શેખ તમીમના પિતા સાથે પણ મુલાકાત કરી
વડાપ્રધાન મોદીએ શેખ તમીમના પિતા અને ભૂતપૂર્વ અમીર હમાદ બિન ખલીફા અલ થાનીને પણ મળ્યા અને તેમના દૂરંદેશી નેતૃત્વ માટે તેમને અભિનંદન આપ્યા જેણે છેલ્લા દાયકાઓમાં કતારના વિકાસનો માર્ગ મોકળો કર્યો. બંને નેતાઓએ ભારત-કતાર સંબંધો પર ચર્ચા કરી હતી. વડા પ્રધાને પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર તેમની સમજદાર ટિપ્પણીઓ માટે હમાદ બિન ખલીફા અલ થાનીની પ્રશંસા કરી. ભૂતપૂર્વ અમીરે ખાતરી આપી હતી કે ભારત અને કતાર અતૂટ બંધન ધરાવે છે, જે પરસ્પર વિશ્વાસ અને સહકારનું પ્રતીક છે. અધિકારી જણાવ્યું કે તેમણે કતારના વિકાસ અને દ્વિપક્ષીય ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં ભારતીય સમુદાયની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.
UAE પ્રવાસમાં બાદમાં ઉમેરાઈ કતાર મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસીય મુલાકાતે હતા, પરંતુ બાદમાં તેમાં કતારનો સમાવેશ કરવામાં આવ્યો અને તેનું મુખ્ય કારણ 8 ભારતીય નૌસૈનિકોને મુક્ત કરવાનું હતું. ભારત અને કતાર વચ્ચે 20 વર્ષ માટે 78 બિલિયન ડોલરના ગેસ સપ્લાયનો કરાર છે. આ કરાર 2028માં સમાપ્ત થવાનો હતો, પરંતુ તે પહેલા તેને લંબાવવામાં આવ્યો છે.


