- દાહોદ જિલ્લામાં કોંગ્રેસમા ભંગાણ પડ્યું
- ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ
- કોંગ્રેસમાં હજી રાજીનામાં પડવાની શક્યતા
કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં વિખવાદ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ દાહોદ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યુ છે.
ફતેપુરા તાલુકા કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું
ત્યારે આજે સમાચાર મળી રહ્યાં છે કે, દાહોદ જિલ્લામાં કોંગ્રેસના વધુ એક આગેવાને રાજીનામું ધરી દીધું છે. દાહોદના ફતેપુરા તાલુકા કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપી દીધું છે. ફતેપુરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મિનેષ તાવિયાડે રાજીનામું આપ્યું છે.
પાર્ટીમાં અવગણના થતાં રાજીનામું
દાહોદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખને તાલુકા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે. મિનેષ તાવિયાડે રાજીનામું આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં અવગણના થતાં હું રાજીનામું આપી રહ્યો છું.
રાહુલ ગાંધીના દાહોદમાં કાર્યક્રમ પહેલાં રાજીનામું
રાહુલ ગાંધી 8 માર્ચે દાહોદમાં સંબોધન કાર્યક્રમ કરવાના છે, ત્યારે રાહુલ ગાંધીની યાત્રાને લઈને દાહોદમાં ગઇકાલે સંમેલન યોજાયું હતું. સંમેલન પૂર્ણ થયા બાદ તરત દાહોદ કોંગ્રેસ શહેર પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું મૂકી દીધુ છે. શહેર પ્રમુખના રાજીનામા બાદ અન્ય વધુ કોંગ્રેસના હોદ્દેદારો રાજીનામું આપે તેવી ચર્ચાઓ પણ વહેતી થઇ હતી.
કોંગ્રેસમાંથી હજી રાજીનામાં પડે તેવી શક્યતા
મહત્ત્વનું છે કે, તાજેતરમાં જ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર, મુળુ કંડોરિયા અને ધર્મેશ પટેલે રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા છે. ત્યારે આવનાર સમયમાં હજી કોંગ્રસ પાર્ટીમાંથી રાજીનામા પડે તેવી શક્યતાઓ છે.


