ઇમ્પેક્ટની 3૧૦૦થી વધુ ફાઇલ પેન્ડીંગ પડી છે : ચારેય ઝોનમાં કોઇ ઇજનેરો કામ અરજીનો નિકાલ કરતા નથી
નવા ટીપીઓ પંડયા ખુદ જવાબદારીથી ભાગે છે : કચેરીમાં મળતા નથી : અરજદારોને ઉડાઉ જવાબ મળે છે
ટીઆરપી કાંડને એક મહિનાથી પણ વધુ સમય થઇ ગયો છતાં રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કચેરી મૂર્છિત અવસ્થામાં છે. છેલ્લા એક મહિનાથી રાજકોટ મનપાની ટાઉન પ્લાનિંગ શાખામાં કોઇ કામ થતાં નથી તેને કારણે શહેરનો બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે. ખાસ કરીને ઇમ્પેકટની તારીખ વધારવા છતાં પણ ઇમ્પેકટની એક પણ ફાઇનો નિકાલ કરવામાં આવ્યો નથી. મળતાં નિર્દેશ મુજબ 3૧૦૦ ઇમ્પેકટની ફાઇલો પેન્ડિંગ પડી છે. અધિકારીઓ અને કર્મચારીઓને ઉડાઉ જવાબ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે. મ્યુનિ.કમિશનર પણ સ્ટાફ પાસે લાચાર હોય તેવું લાગે છે. આ કારણે રાજકોટના વેપાર ઉદ્યોગને સહન કરવું પડે છે.
ખાસ કરીને નવા ટાઉન પ્લાનર ઓફિસર પંડ્યાને જાણે મહિયરમાં મનડુ નથી લાગતુ! નવા ટીપીઓ પંડ્યા જાણે મીસ્ટર ઇન્ડિયા હોય તેમ ક્યા ગાયબ થઇ જાય છે એ ખુદ તેમના વિભાગના સ્ટાફને પણ ખબર નથી હોતી. મનપા કચેરીમાં ભાગ્યે જ દેખાય છે. આખરે નવા ટીપીઓ પંડ્યા હોય છે ક્યા? જાય છે ક્યા? તેમનુ કોઇ કામ હોય તો ક્યા શોધવા જવા? મન પડે ત્યારે ફોન ઉપાડવા! આખરે તેનો સંપર્ક કઇ રીતે કરવો? ‘નવા ટીપીઓ ગૂમ છે, શોધી આપનારને ઇનામ’ આવી જાહેરાત આપવી પડે તેમ છે તેવા હાસ્યાસ્પદ કટાક્ષ ખુદ તેમની જ ટીપી શાખાના સ્ટાફમાં અંદરોઅંદર થઇ રહ્યા છે.
નવા ટીપીઓને જ્યારે રાજકોટ મનપાની જવાબદારી સોંપવામા આવી ત્યારે તેની પાસે અગાઉથી જ બે ચાર્જ હતા. રૂડા(રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) અને વડોદરામાં પણ તેની પાસે ચાર્જ હતો(જો કે વડોદરાના ચાર્જમાંથી મુક્તિ આપવામા આવી હોવાનું જાણવા મળે છે). નવા ટીપીઓને જાણે રાજકોટ મનપાની સળગતી ટીપીઓની ખુરશી પર બેસવામા રસ ન હોય તેની આવી નિષ્ક્રિયતાના કારણે હાલ તો શહેરભરના ટાઉન પ્લાનીંગ અને રિયલ એસ્ટેટના વિકાસને જબરુ ગ્રહણ લાગ્યુ છે. બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે તેવુ કહીએ તો પણ અતિ શયોક્તિ નથી. ટીપી શાખાની કામગીરીનું આમતો ઝોનવાઇઝ વિભાજન કરીને સિટી ઇજનેરોને જવાબદારી સોંપવામા આવી છે. ટીપીઓની જવાબદારી ઉપરથી બોજનો પોટલો ઓછો થઇ ગયો હોવા છતા ટાઉન પ્લાનર ઓફિસર પંડ્યા બાકીની ફરજમાંથી પણ ભાગતા ફરતા હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે.
વ્યાપક ફરિયાદથી કમિશનરને ખુદને કામ નિકાલની સૂચના આપવી પડી
અગ્નિકાંડ બાદ ટીપી શાખાને લગતી કામગીરી ઠપ્પ થતા બિલ્ડર લોબી, આર્કિટેક અને ઘરનું ઘર બનાવવા ઇચ્છતા સામાન્ય આસામીઓમાં દેકારો બોલી રહ્યો છે. ફરિયાદો મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ પાસે પહોંચતા તેમણે ટીપી શાખાની વર્તમાન કામગીરીના લેખાજોખા હાથ પર લીધા છે. ઇમ્પેક્ટ ફીની 3૧૦૦થી વધુ ફાઇલ પેન્ડીંગ પડેલી છે. છ મહિનામાં જ ઇમ્પેક્ટ ફીની કામગીરી નીલ કરી દેવા કમિશનરે આદેશ કર્યો છે.
મ્યુનિ. કમિશ્નરે ટાઉન પ્લાનીંગ અધિકારી સહિતના વિભાગ સાથે મીટીંગ કરી હતી. જેમાં રોજિંદી અને સંવેદનશીલ કાર્યવાહી વધુ ગંભીરતાથી કરવા સૂચના આપી છે. કમિશ્નરે જણાવ્યું હતું કે જે રીતે ફાયર એનઓસીમાં શાળાઓ અને હોસ્પિટલોને અગ્રતા આપવામાં આવી રહી છે તે જ રીતે ઇમ્પેકટ ફી હેઠળ વધારાનું બાંધકામ નિયમબધ્ધ કરવાની કાર્યવાહીને ટીપી શાખા પ્રાથમિકતા આપશે. ઇમ્પેકટનો કાયદો સ્પષ્ટ છે. તેની જોગવાઇઓમાં ફીટ બેસતા બાંધકામો નિયમ મુજબ રેગ્યુલર થતા હોય તો તુરંત મંજૂર કરવા માર્ગદર્શન અપાયું છે. ઇમ્પેકટ ફીની ફાઇલ બહુ લાંબો સમય વેઇટીંગમાં રાખવાને બદલે તેનો નિકાલ કરવા પણ જણાવાયું છે.
એક અંદાજ મુજબ ઇમ્પેકટ ફી માટે રજૂ થયેલી 60 ટકા જેટલી ફાઇલમાં કોઇને કોઇ દસ્તાવેજ ઘટતા હોય તે રજૂ કરવા અરજદારને સૂચના આપવામાં આવે છે. અરજદારો તે રજૂ પણ કરે છે. પરંતુ ઘણા કેસમાં આવા બાકીના દસ્તાવેજ રજૂ કરવામાં આવતા નથી આથી આવી મિલ્કતના આસામીઓને સમયાંતરે સૂચના આપીને પૂર્તતા કરવા જણાવવામાં આવ્યું છે. આદર્શ રીતે ઇમ્પેકટ ફીની ફાઇલનો છ મહિનામાં નિકાલ થઇ જવો જરૂરી છે. આ રસ્તે જ ફાઇલ મંજૂર કે નામંજૂર કરવાની કાર્યવાહી હવે શરૂ થશે. હાલ કોર્પો.માં ત્રણે ઝોનની 3100થી વધુ ફાઇલો પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે.
નવા ટીપીઓ સામાન્ય પ્રશ્નોથી પણ ભાગે છે!
નસીબમાં હોય અને જો મનપા કચેરીમાં નવા ટીપીઓ મળી જાય ત્યારે આર્કિટેક કે સામાન્ય અરજદાર તેના પ્રશ્નોને લઇને જાય ત્યારે ટીપીઓ પંડ્યા જવાબ આપવાનું ટાળે છે. મીડિયાકર્મીઓને પણ તેનો કડવો અનુભવ થઇ ચુક્યો છે. ટીઆરપી અગ્નિકાંડને લગતો સવાલ ન હોય અને કોઇ પણ પ્રકારના વિવાદ વગરનો સામાન્ય પ્રશ્ન હોય તો પણ ટીપીઓ પંડ્યા એક જ કેસેટ વગાડ્યા રાખે છે કે, ‘કમિશનર સાહેબને પુછી લ્યો ને!’
ત્રણેય ઝોનના સિટી ઇજનેરોને ટીપી શાખાની કામગીરીનું વિભાજન
૧૫થી ૨૫ મીટરની હાઇટના બાંધકામ, ઇમ્પેક્ટ, ગે.કા.બાંધકામ સહિતની કામગીરી હવે સિટી ઇજનેરો હવાલે
નવા ટીપીઓ પંડ્યા આમતો અનુભવી છે. વર્ષોથી ટાઉન પ્લાનીંગ શાખા સાથે જોડાયેલા છે. રૂડાનો ચાર્જ પણ તેમની પાસે છે. તેનો આ અનુભવ રાજકોટ મનપાના નવા ટીપીઓ તરીકે સક્ષમ ન હોય તેમ અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનીંગની કામગીરીનું ઝોનવાઇઝ વિભાજન કરીને સિટી ઇજનેરોને જવાબદારી સોંપવામા આવી છે. પહેલા જે તે વોર્ડના એટીપી હસ્તક જે કામગીરી હતી તે હવે સિટી ઇજનેરો કરશે. જેમ કે ૧૫ મીટરથી ૨૫ મીટરની હાઇટ સુધીના લો-રાઇઝ બિલ્ડીંગના પ્લાન, કમ્પ્લિશન, રિવાઇઝડ પ્લાન, ઇમ્પેક્ટ ફી, કોઇ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ ચાલતુ હોય તો તેની સામે પગલાં લેવાની જવાબદારી સિટી ઇજનેરોને કરવાની રહેશે.