– GSTનો આઉટફ્લો ૨૦ ઓક્ટોબરની આસપાસ શરૂ થતા ફરી રોકડની તંગી સર્જાવાની આશંકા
Updated: Oct 11th, 2023
અમદાવાદ : રૂ. ૨૦૦૦ની નોટોની પરત ખરીદીને કારણે ભારે ઉથલપાથલ સર્જ્યા બાદ હવે ત્રણ અઠવાડિયા પછી બેંકિંગ સિસ્ટમમાં રોકડ લિક્વિડિટી ફરી વધીને સરપ્લસ થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર સરકારી ખર્ચમાં વધારાને કારણે ફરી સરપ્લસ નોંધાયું છે.
શનિવારે રૂ. ૫૦,૦૦૦ કરોડના ઇન્ક્રીમેન્ટલ કેશ રિઝર્વ રેશિયોના અંતિમ તબક્કાની રજૂઆત સાથે રોકડની સ્થિતિમાં વધુ સુધારો થઈ શકે છે. બોન્ડ માર્કેટના એક્સપર્ટનો અંદાજ છે કે જો લિક્વિડિટીનું સ્તર સુધરશે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓપન માર્કેટ ઓપરેશન્સ દ્વારા બોન્ડના વેચાણની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત ફરી લિક્વિડિટીના લેવલમાં ઘટાડો નોતરશે. બજારને અપેક્ષા છે કે સેન્ટ્રલ બેન્ક રૂ. ૧૦,૦૦૦ કરોડથી રૂ. ૧૫,૦૦૦ કરોડના બોન્ડનું વેચાણ કરશે. તેથી યિલ્ડને મજબૂત કરવા માટે ટ્રેડરોએ તૈયારીઓ કરી છે. સરકારના ૧૦ વર્ષના બેન્ચમાર્ક પર યિલ્ડ શુક્રવારના ૭.૩૪ ટકાની સરખામણીએ સોમવારે ઘટીને ૭.૩૮ ટકા થઈ હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર બેંકોએ શુક્રવારે ૨૭૬૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તેવી જ રીતે ધિરાણકર્તાઓએ શનિવારે રૂ. ૫૩૯૦ કરોડ અને રવિવારે રૂ. ૯૦૭૧ કરોડ જમા કરાવ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે જ કહ્યું હતું કે સેન્ટ્રલ બેંક વધારાની રોકડ ઘટાડવા માટે ઓપન માર્કેટ ઓપરેશન્સનો ઉપયોગ કરી શકે છે.
બજાર નિષ્ણાતોનો અંદાજ છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો આઉટફ્લો ૨૦ ઓક્ટોબરની આસપાસ શરૂ થશે. આવી સ્થિતિમાં આગામી બે અઠવાડિયા સુધી રોકડ સરપ્લસની સ્થિતિ રહેશે.