- બનાસ ડેરીના ઈન્સ્પેક્શન અને દૂધ મંડળીના ઓડિટરની તપાસમાં મામલો પ્રકાશમાં આવ્યો
- ઉચાપત કર્યાની ફરિયાદ મંડળીના ચેરમેન દ્વારા વડગામ પોલીસ મથકે નોંધાવી છે
- પોલીસે ગુનો નોંધી વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે
વડગામ તાલુકાના હસનપુર ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળીના ક્લાર્ક પરબડીયા અબ્દુલજબ્બારભાઈ મોહંમદશરીફ દ્વારા દાણ વેચાણની રકમના રૂ. 18,13,840 મંડળીમાં જમા ન કરાવી અને ઉચાપત કર્યાની તેમજ મંડળીના મંત્રી પરમાર બાબુભાઈ સવાભાઈએ રોજમેળ ઉપરની આવક રૂ. 9,97,118 ઉપરાંતની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી અને ઉચાપત કર્યાની ફરિયાદ મંડળીના ચેરમેન દ્વારા વડગામ પોલીસ મથકે નોંધાવી છે.
ફરિયાદ અંગેની વધુમાં પ્રાપ્ત વિગત એવી છે કે વડગામ તાલુકાના હસનપુર ખાતે આવેલ ધી હસનપુર દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન તરીકે ફરજ બજાવતાં મહંમદ ઈરસાદ અબ્દુલરહેમાન ઢુક્કાએ વડગામ પોલીસ મથકે મંડળીના મંત્રી અને ક્લાર્ક સામે ફરીયાદ નોંધાવી છે.જે અનુસાર મંડળીની તા.30/12/2013ની વ્યવસ્થાપક સમીતીના ઠરાવ અનુસાર મંડળીમાં દાણ,ઘી,ચા તથા અન્ય માલના વેચાણ માટે પરબડીયા અબ્દુલજબ્બારભાઈ મોહંમદશરીફની નિમણુક કરવામાં આવેલ અને તેની વધઘટની જવાબદારી તેમના શિરે હતી. દરમિયાન ગત તા.1લી એપ્રિલ 2023થી તા. 30મી જુન, 2023 સુધીના ઈન્સ્પેક્શન તા.19મી અને 20મી જુલાઈ 2023નો રોજ કરવામાં આવેલ. જેમાં ગોડાઉનમાં 1148 બોરીનો સ્ટોક ખુટતો હતો. જેની કિંમત રૂ.18,13,840ની રકમ સંબંધિત કર્મચારી પાસેથી વસુલાત મેળવી બેંકમાં ભરપાઈ કરવા સુચના આપેલ હતી. પરંતુ તે રકમ જવાબદાર કર્મચારી પરબડીયા અબ્દુલજબ્બારભાઈ મોહંમદ શરીફ દ્વારા આ રકમ જમા ન કરાવતા સુપરવાઈઝરે સ્ટોકની બાકી બોલતી રકમ 18,13,840, તા.ર1/07/ર0ર3ના રોજમેળમાં ઉચાપત ખાતે ઉધાર કરી હતી. તેમજ મંડળીના મંત્રી તરીકે મંડળીની વહીવટીય કામગીરી તથા રોજમેળ લખવાની કામગીરી અને હાથ પરની સિલકની જવાબદારી બેંકમાં પૈસાની લેવડદેવડ સહિતની ફરજ બજાવવાની હોય છે.ત્યારે મંડળીના મંત્રી બાબુભાઈ સવાભાઈ પરમારે તા.14/10/2923ના રોજમેળ હાથ ઉપરની સિલક રૂા.9,97,118 ઉપરાંતની રકમ પોતાન અંગત ઉપયોગમાં વાપરી નાણાંકીય ઉચાપત કરી અને મંડળીને આર્થિક નુકસાન કરેલ હોઈ બંને ની રકમ મળી કુલ રૂ. 28,10,958 ઉપરાંતની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ વડગામ પોલીસ મથકે મંડળીના ચેરમેન ઈરસાદ અબ્દુલરહેમાન ઢુક્કાએ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


