- રણમાં પ્રવેશ માટે વહાલા-દવલાની નીતિ અને લાગવગશાહી અપનાવાઈ હોવાની રાવ
- અગરીયાઓને રણમાં પ્રવેશ ન આપતા તેઓ ઘુડખર અભયારણ્યની કચેરીએ ધસી આવ્યા હતા
- અગરીયાઓ વર્ષોથી રણમાં મીઠુ પકવી રોજગારી રળે છે
દસાડા તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં બાજુના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અગરિયાઓ પણ મીઠુ પકવે છે. વર્ષોથી પરંપરાગત રીતે મીઠુ પકવાતા સાંતલપુર તાલુકાના અગરીયાઓને રણમાં પ્રવેશ ન આપતા તેઓ બુધવારે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યની કચેરીએ ધસી આવ્યા હતા અને એક દિવસીય ધરણા કરી આવેદનપત્ર આપ્યુ હતુ.
જિલ્લામાં કચ્છના નાના રણ વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલુ છે. ઘુડખરને આરક્ષીત કરવા માટે વર્ષ 1972માં 4954 ચોરસ મીટર વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાના રણમાં આવેલ અભયારણ્યમાં ઝાલાવાડ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલા રાજકોટ, પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ત્યારે પાટણના સાંતલપુર તાલુકાના અંદાજે 700થી વધુ અગરીયાઓ વર્ષોથી રણમાં મીઠુ પકવી રોજગારી રળે છે. તાજેતરમાં રણમાં પ્રવેશ માટે અગરીયાઓને પ્રવેશપત્ર ફરજીયાત કરાયુ છે. પરંતુ અભિયારણ્ય વિભાગ સાંતલપુરના અગરીયાઓને પ્રવેશ નહી આપતા તેઓની રોજીરોટી છીનવાઈ રહી છે. અગાઉ આ અંગે ફોરેસ્ટ વિભાગ, મંત્રી કક્ષા સુધી રજુઆતો કરવા છતાં કોઈ નીવેડો ન આવતા બુધવારે સાંતલપુરના અગરીયાઓ ધ્રાંગધ્રા સ્થીત ઘુડખર અભિયારણ્ય કચેરીએ ધસી આવ્યા હતા. અને એક દિવસના ધરણા કર્યા હતા.


