- એજન્સીઓએ જપ્ત કરેલા 3,300 કિલો ડ્રગ્સ અંગે ગૃહમંત્રીની પ્રશંસા
- ડ્રગ્સની તાજેતરના ભૂતકાળની સૌથી મોટી ખેપ પકડાઇ
- ગૃહપ્રધાન અમિત શાહે પોસ્ટ શેર કરતાં તેમને અભિનંદન આપ્યા હતા
ઇન્ડિયન નેવી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ડ્રગ્સની તાજેતરના ભૂતકાળની સૌથી મોટી ખેપ પકડવા પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોસ્ટ શેર કરતાં તેમને અભિનંદન આપ્યા હતા. ગૃહપ્રધાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, નરેન્દ્ર મોદીજીના ભારતને ડ્રગ્સમુક્ત રાષ્ટ્ર બનાવવાના વિઝનને પૂર્ણ કરતા આપણી એજન્સીઓએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઐતિહાસિક સફળતા આપણા દેશને નશામુક્ત બનાવવા માટે આપણી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ અવસર પર હું એનસીબી, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું. ઉલ્લેખનીય છે કે નેવી અને એનસીબીની ટીમે મળીને અલગ અલગ પ્રકારના 3,300 કિલો ડ્રગ્સ ઝડપીને પાકિસ્તાની નાગરિક એવા પાંચ ક્રૂની પણ ધરપકડ કરી હતી.
ઝડપાયેલા કુલ ડ્રગ્સમાં 3,089 કિલોગ્રામ ચરસ છે
અહેવાલો અનુસાર પકડવામાં આવેલા 3,300 કિલો ડ્રગ્સમાં 3,089 કિલોગ્રામ ચરસ છે, 158 કિલોગ્રામ મેથમફેટામાઇન અને 25 કિલોગ્રામ મોર્ફિન છે. નેવીનું કહેવું છે કે તાજેતરના સમયગાળામાં આ ડ્રગ્સની સૌથી મોટી જપ્તી છે. સમગ્ર ક્ષેત્ર પર દેખરેખ રાખવાના મિશન પર કામ કરતા P8I LRMR વિમાનના ઇનપુટના આધારે ઈન્ડિયન નેવી મિશન પર તૈનાત જહાજને ડ્રગ્સ ભરેલા આ સંદિગ્ધ જહાજને ડાઇવર્ટ કરવા મોકલાયું હતું.


