- 4,304 જગ્યા માટે 2.75 લાખની ઉમેદવારી
- GPSC છેલ્લા સેમિસ્ટરને તક આપે છે તો ગૌણ સેવા કેમ નહીં ?
- 200 જેટલી જગ્યા વધશે, બે દિવસ પોર્ટલ બંધ રહશે
ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ- GSSSBએ વર્ગ- 3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ- 12 પાસથી વધારીને સ્નાતક કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા સેંકડો ઉમેદવારોમાં સખત નારાજગી પ્રવર્તી છે. કારણ કે, નવા રિક્રૂટમેન્ટ રૂલ્સમાં ‘ગ્રેજ્યુએટ’ એ જ લાયકાત ગણવામાં આવી છે. એથી, જેઓ છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસરત છે અર્થાત ગ્રેજ્યુએશનને આડે માંડ ચાર- પાંચ મહિનાનો સમય બાકી છે તેવા ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા નથી. આથી, સેંકડો યુવાનોએ GPSC સહિતના ભરતી સંસ્થાનોની જેમ GSSSBએ પણ સ્નાતકની પદવીની પૂર્વ શરતને આધારે પરીક્ષામાં બેસવાની તક આપવી જોઈએ એવી માંગણી ઊઠી છે.
વર્ગ- 3ની 4,304 જગ્યાઓ માટે ત્રીજી જાન્યુઆરીથી ઓનલાઈન ઉમેદવારી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીના 15 દિવસમાં 2.75 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. જે પૈકી દોઢેક લાખ જેટલા ઉમેદવારોના ફોર્મ કન્ફર્મ થઈ ચૂક્યા છે. જ્યારે બાકીના ફી ભર્યા બાદ કન્ફર્મ થશે.
200 જેટલી જગ્યા વધશે, બે દિવસ પોર્ટલ બંધ રહશે
GSSSBના સચિવ હસમુખ પટેલે 22 અને 23 જાન્યુઆરીએ વેબસાઈટનું મેન્ટેનન્સ હોવાથી આ બે દિવસ ઓજસ પોર્ટલ બંધ રહેશે તેમ કહ્યુ છે. ઉમેદવારી કરવા માટે 31મી જાન્યુઆરી છેલ્લો દિવસ છે આથી તેના માટે રાહ જોયા વગર ફોર્મ ભરવા પણ અપિલ કરી છે. આથી, વર્ગ-3ની 4,304 જગ્યામાં વધુ 200નો વધારો થશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.


