- આરોપીઓને આસારામની જેમ આજીવન કારાવાસની સજા આપવાની માગ કરી
- બંને બહેનોએ આશ્રામના વોટ્સએપ ગ્રૂપમાં બે સ્યૂસાઇડ નોટ ફોરવર્ડ કરી હતી
- આત્મહત્યા માટે આશ્રામના જ ચાર કર્મચારીઓને જવાબદાર ગણાવ્યા
આગ્રાના બ્રહ્માકુમારી આશ્રામમાં શુક્રવારે રાત્રે બે સગી બહેનોએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલાં બંને બહેનોએ આશ્રામના વોટ્સએપ ગ્રૂપમાં બે સ્યૂસાઇડ નોટ ફોરવર્ડ કરી હતી. તેમણે આત્મહત્યા માટે આશ્રામના જ ચાર કર્મચારીઓને જવાબદાર ગણાવ્યા છે અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને આસારામની જેમ જ આરોપીઓને આજીવન કેદની સજા અપાવવાની અપીલ કરી હતી. બંને બહેનોનો મેસજ જોઈને તેમના પરિવારજનો આશ્રામ પહોંચ્યા હતા ત્યારે તેમના મૃતદેહ પંખાના હૂક પર લટકેલા મળી આવ્યા હતા. સ્યૂસાઇડ નોટમાં એકતા (38) અને શિખા (32)નામની બહેનોએ માઉન્ટ આબુ અને ગ્વાલિયર સ્થિત સેન્ટર સાથે જોડાયેલા બે લોકો સહિત ચાર લોકો સામે શોષણના આરોપ લગાવ્યા હતા.
આઠ વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી
બંને બહેનોએ આઠ વર્ષ પહેલાં માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારીના વડામથક ખાતે દીક્ષા ધારણ કરી હતી. તેમને અહીં બ્રહ્માકુમારીઝ સેન્ટર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બંને બહેનોએ આ સેન્ટર શરૂ કરવા માટે ખૂબ મહેનત કરી હતી. તેમણે મથુરા સ્થિત પોતાનો પ્લોટ વેચી તેમાંથી મળેલી સાત લાખની રકમ સેન્ટર પાછળ ખર્ચી નાખી હતી.
આ લોકોને જવાબદાર ઠેરવ્યા : બંને બહેનોએ પોતાની સ્યૂસાઇડ નોટમાં પોતાની વ્યથા વર્ણવી છે. તેમણે નીરજ, તેના પિતા તારાચંદ, ગુડ્ડન અને ગ્વાલિયરની એક મહિલા પર આરોપ લગાવ્યા છે. એકતાના નામે મળેલી ત્રણ પેજની સ્યૂસાઇડ નોટની શરૂઆત વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને નિવેદન સાથે કરાઈ છે.