દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને મગફળી પાકમાં આફલાટોક્સીનનો ઉપદ્રવ અટકાવવા ઉતારા પછી લેવાના પગલાં જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયા છે.જે મુજબ યાંત્રિક નુકસાન વાળા અને જીવાતવાળા ડોડવા અલગ રાખવા. ૮% ભેજ રહે ત્યાં સુધી મગફળીને સુકવવી. મગફળીને સારી, ચોખ્ખી, પૂરતા હવા-ઉજાસવાળી જગ્યામાં પ્લાસ્ટિક અથવા કંતાનની બેગમાં સંગ્રહ કરવો. ઘણી વખત એસ્પરજિલસ ફ્લેવસનો ચેપ કીટકો દ્વારા પણ લાગે છે. આવા સમયે કીટકનાશક દવાનો છંટકાવ કરી તેનો ફેલાવો અટકાવી શકાય.
દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ
ઉતારા પછી તરત જ પ્રોપીયોનીક એસીડ ૫% અથવા સોર્બીક એસીડ (૦.૧%),ક્લોરોથેલોનીલ (૦.૧૫%) અથવા ૧% સોડીયમ બાયસલ્ફાઈડ (૦.૭૫% સોડીયમ હાઇડ્રોક્સાઈડ)નો છંટકાવ ડોડવા પર કરી ફૂગના ઉપદ્રવથી બચાવી શકાય. પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ
જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.


