- કાલથી વડાપ્રધાન મોદી 2 દિવસના UAE પ્રવાસે
- હવામાનને કારણે સેફટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું
- વરસાદને કારણે ભાગ લેનાર લોકોની સંખ્યા ઘટાડાઈ
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ખરાબ હવામાનને કારણે મંગળવારે આયોજિત થનારો સામુદાયિક કાર્યક્રમ ટૂંકો કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને ‘અહલાન મોદી’ નામ આપવામાં આવ્યું છે. અરબીમાં હેલો અને સ્વાગતને અહલાન કહેવાય છે. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયના લોકોને મળશે અને સંબોધિત કરશે. કાર્યક્રમની તૈયારીઓ સાથે જોડાયેલા એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી.
અધિકારીએ જણાવ્યું કે, UAEમાં રાતભર ભારે વરસાદ થયો હતો. અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ છે. તેથી, ‘અહલાન મોદી’ કાર્યક્રમને ટૂંકો કરવામાં આવ્યો છે.
60 હજારથી વધુ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
શીખ સમુદાયના નેતા સંજીવ પુરુષોત્તમે કહ્યું કે અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અત્યાર સુધીના સૌથી મોટા પ્રવાસી કાર્યક્રમ માટે સારી તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ, ખરાબ હવામાનને કારણે કાર્યક્રમમાં ભાગ લેનારાઓની સંખ્યા 80 હજારથી ઘટીને 35 હજાર થઈ ગઈ છે. અગાઉ એવું જાણવા મળ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 60 હજાર લોકોએ વેબસાઇટ દ્વારા નોંધણી કરાવી છે.
લગભગ ચાલીસ હજાર લોકો કાર્યક્રમમાં લેશે ભાગ
સંજીવ પુરૂષોત્તમના જણાવ્યા અનુસાર હવે કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરનારા લોકો સહિત 35 હજારથી 40 હજાર લોકો ભાગ લેશે. તેમણે કહ્યું, ‘અહલાન મોદી’ માટે 500થી વધુ બસો દોડાવવામાં આવસગે. આ કાર્યક્રમમાં 1000થી વધુ સ્વયંસેવકો સ્થળ પર હાજર રહેશે. અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસના એક સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા સંબોધિત થનારા આ જાહેર કાર્યક્રમમાં 45 હજાર લોકો હાજરી આપશે.
UAEમાં વસે છે લગભગ 35 લાખ ભારતીયો
વડાપ્રધાન મોદીએ 22 સપ્ટેમ્બર 2019ના રોજ અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં એક વિશાળ સમુદાય કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હતા. કાર્યક્રમનું નામ ‘હાઉડી મોદી’ હતું. UAEમાં લગભગ 35 લાખ ભારતીયો રહે છે. જેઓ આ ગલ્ફ કન્ટ્રીમાં વર્કફોર્સનો ભાગ છે.
હવામાનને કારણે સેફટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું
UAEના મોટા ભાગના વિસ્તારોમાં આખીરાત ભારે વરસાદ થયો હતો. આ ઉપરાંત કરા અને વીજળી પડવાના બનાવો પણ બન્યા હતા. તેથી, સોમવારે દેશમાં સેફટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વાહનોની સ્પીડ ઘટાડવા માટે પણ કહેવામાં આવ્યું છે. દુબઈ અને અબુ ધાબીમાં આકાશમાં વીજળીના કડાકાભડાકા પણ સાંભળવા મળ્યા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર અલ એન શહેરમાં હિમવર્ષાના વિડીયો પણ શેર કર્યા છે. જો કે, હિમવર્ષાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પીએમ મોદી BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન મોદી આવતીકાલથી UAEના પ્રવાસે જઈ રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી અબુધાબીમાં ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર અબુ ધાબીમાં લગભગ 27 એકર જમીન પર નિર્માણ પામ્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય 2019થી ચાલી રહ્યું હતું. મંદિર માટે UAE સરકારે જમીન દાનમાં આપી હતી. UAEમાં કુલ ત્રણ અન્ય હિંદુ મંદિરો છે, જે તમામ દુબઈમાં છે. સ્ટોન આર્કિટેક્ચર સાથેનું BAPS મંદિર ગલ્ફ પ્રદેશનું સૌથી મોટું મંદિર હશે.


