- રાજકોટ TRP અગ્નિકાંડ કેસ : સ્કૂલોમાં ફાયર સેફ્ટી મુદ્દે સરકારનું સોગંદનામુ
- 55 હજારથી વધુ સ્કૂલોમાંથી આટલી સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધા જ નથી
- સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્ટીના નિયમો લાગુ કરવા 30 દિવસનો સમય આપ્યો
રાજકોટ અગ્નિકાંડ કેસમાં રાજયની શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઇકોર્ટે અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજય સરકાર દ્વારા રાજયની શાળાઓમાં ફાયર સેફ્ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.
જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફેટ સામે આવ્યો હતો, રાજયની 11,451 સ્કૂલોમાં તો ફાયર એનઓસી જ નથી. સરકારનો જવાબ ધ્યાને લઇએ તો, આ શાળાઓમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા જ નથી અને આવી સ્કૂલોમાં બાળકો-વિદ્યાર્થીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્ટીના સાધનો-સુવિધા અને નિયમો લાગુ કરવા 30 દિવસનો સમય આપ્યો છે.
ચીફ્ જસ્ટિસની ખંડપીઠે સરકારનો જવાબ રેકર્ડ પર લીધો હતો. રાજયમાં આવેલી પ્રિ-પ્રાઇમરીથી લઇ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાને લઇ સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ આજે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, રાજયની કુલ 55,344 શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાંથી 11,451 સ્કૂલોમાં ફાયર એનઓસીની સુવિધા જ નહી હોવાનું સામે આવ્યું હતું. 43,893 જેટલી શાળાઓએ સેલ્ફ્ ડેકલેરેશન કર્યું હતું. જયારે માત્ર 9563 શાળાઓ પાસે જ ફાયર એનઓસી હોવાનો ઘટસ્ફેટ પણ સામે આવ્યો હતો. લગભગ 1117 સ્કૂલોએ ફાયર એનઓસી માટે એપ્લાય કરી દીધુ છે. તો, 771 જેટલી શાલાઓ ફાયર સેફ્ટીના સાધનો વસાવી રહી છે. પ્રિ-પ્રાઇમરી અને પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો તપાસ કરાયેલી 43,833 શાળા પૈકી 31,987 સરકારી શાળા, 633 ગ્રાન્ટેડ શાળા અને 11,213 ખાનગી શાળા છે. તો, 11,511 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળા પૈકી 1,403 સરકારી શાળા, 5064 ગ્રાન્ટેડ શાળા અને 5044 ખાનગી શાળા છે. પ્રાઇમરી અને પ્રિ-પ્રાઇમરીની કુલ 7,517 શાળા છે, જેમાં ફાયર એનઓસી લેવાનું બાકી છે, જેમાં 2,263 સરકારી શાળા અને 5,132 ખાનગી શાળાનો સમાવેશ થાય છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ગ્રાન્ટેડ 1,039 શાળા અને 2,843 પ્રાઇવેટ શાળાએ ફાયર એનઓસી લેવાનું બાકી છે.
9 મીટરથી વધુ ઊંચાઇનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત
ફાયર સેફ્ટી એકટ અને રૂલ્સની જોગવાઇ મુજબ, 9 મીટરથી વધુ ઉંચાઇનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત છે., તેથી હવે સ્કૂલોએ તાબડતોબ ફાયર એનઓસી મેળવવાની કવાયત હાથ ધરી છે.


