- કુલ 200થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવીને 10 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા
- ગરીબ લોકોને ટાર્ગેટ કરીને તેમના ડોક્યુમેન્ટ લઇને કમિશન પેટે રૂપિયા આપતા હતા
- એકાઉન્ટમાં રૂપિયા જમા થતા તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઇના મોકલતા
ચાઇનીઝ ગેંગને બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરતા ગેંગના 13 આરોપીને સાઇબર ક્રાઇમે કૃષ્ણનગરથી ઝડપી પાડયા છે. જેમાં ગઠિયાઓએ કૃષ્ણનગરમાં ઓફ્સિ ભાડે રાખીને ગરીબ લોકોને ટાર્ગેટ કરીને તેમના ડોક્યુમેન્ટ લઇને બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમને કમિશન આપીને બ્લેકના રૂપિયાની લેવડ-દેવડ તે એકાઉન્ટમાં કરતા હતા.
ત્યારે આરોપીઓએ એક વર્ષમાં કુલ 200થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. અને તેમાં કુલ રૂ. 10 કરોડથી વધુના ટ્રાન્ઝેકશનો કર્યા હોવાનું સામે આવ્યુ છે. તેમજ જે એકાઉન્ટમાં રૂપિયા જમા થતા તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઇના મોકલતા હતા. હાલમાં પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરીને ફરાર એક આરોપીની શોધખોળ હાથધરી છે.
આ ગેંગ ખંડણીના રૂપિયા જે ખાતામાં જમા થયા હોય તેમાથી ઉપાડીને આંગડીયા મારફ્તે ચોકકસ ઠેકાણે મોકલી આપતા હતા. જે બાદ તે રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઇના પહોંચાડવામાં આવતા હતા. જેમાં આરોપીઓ કૃષ્ણનગરમાં આવેલ મારૂતિ પ્લાઝામાં ક્રીશવ એન્ટરપ્રાઇઝ અને બીજા માળે સોફ્ટવેર કંપનીની આડમાં કાંડ કરતા હતા. પોલીસને ઓફ્સિમાંથી 30 પાસબુક, 39 ચેકબુક, 59 એટીએમ કાર્ડ, 9 સીમકાર્ડ, 5 એકાઉન્ટ માટેના ફોર્મ, 5 બેંક ડિપોઝિટ માટેની સ્લીપ, 1 નોટો ગણવાનું મશીન, 1 ફિંગર પ્રિન્ટ સ્ક્રેનર મશીન, 2 રબર સ્ટેમ્પ, 4 હિસાબ માટેના ચોપડા, 30 મોબાઇલ મળી આવ્યા હતા. 3 માસથી આરોપીઓ ભેગા મળીને સમગ્ર નેટવર્ક ચલાવતા હતા.
કોણ કોણ ઝડપાયું
ફૈઝાન શેખ, રાજુ પરમાર, અમિત પટેલ, રાજુ સાંખટ, દર્શન સેંજલીયા, રાજેશ જાસોલિયા, વિકી પટેલ, દિલીપ જાગાણી, કિશોર પટેલ, અલ્કેશ પટેલ, દિપક રાદડીયા, દર્શીલ શાહ, કેતન પટેલ


