- ચોમાસાના ચાર મહિના તળાવમાં પાણી રહે પછી તો સૂકા જ રહે છે
- 9 વર્ષમાં તળાવોની સફાઈ માટે 14 કરોડ ચૂકવ્યા છતાં કોઈ સુધારો નહીં
- ટેન્ડરમાં તળાવ સફાઇ કરવા માટેનો અનુભવ માટેનો નિયમ ફરજિયાત કરવામાં આવેલ છે ?: RTI એક્ટિવિસ્ટ
અમદાવાદ શહેરમાં આવેલા તળાવોની સફાઇ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો RTI એક્ટિવિસ્ટે આક્ષેપ કર્યો છે. મ્યુનિ. દ્વારા છેલ્લા 9 વર્ષમાં રૂ.14.51 કરોડનો ખર્ચ તળાવોની સફાઇ પાછળ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાનું ખર્ચ છતાં પણ તળાવમાં સફાઇ થયેલી જોવા મળતી નથી.
છેલ્લા 5 વર્ષથી ત્રણ કોન્ટ્રાક્ટરોને સફાઇનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ, દર વર્ષે માત્ર સફાઇના નામે કરોડો રૂપિયા ચૂકવાય છે. તળાવની પરિસ્થિતિમાં કોઈ સુધારો થતો નથી અને કરોડોનો ખર્ચ કરવા છતાં તળાવની પરિસ્થિતિ ઠેરની ઠેર હોય છે.AMCના મેલેરિયા વિભાગ દ્વારા વર્ષ 2015-16થી વર્ષ 2022 સુધી તળાવોની સફાઈ કામગીરી માટે કુલ રૂ.4,12,90,761ની ચૂકવણી કરાઈ હોવાનું જણાવાયું છે. પરંતુ હકીકતમાં રૂ.11,09,56,750 ચૂકવણી કરવામાં આવી છે. આ બાબતે AMC કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ કરવામાં આવે તેમજ તળાવ સાફ્-સફાઇનો કોન્ટ્રાકટ રદ્દ કરીને મ્યુનિ.ના વર્ગ-4ના સફાઇ કર્મચારી પાસે કામગીરી કરાવવાની માગણી કરવામાં આવી છે.
RTI એક્ટિવિસ્ટે જણાવ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની મેલેરિયા શાખા દ્વારા છેલ્લા 9 વર્ષમાં વિવિધ તળાવોની સાફ્ સફાઇ કરવા માટે ફક્ત ત્રણ જ એજન્સીઓ કુમાર એજ્યુકેશન સોસાયટી, મીનાક્ષી દલિત સખી મંડળ અને દેવ રેસિડેન્સી વેલ્ફેર એસોસિએશનને રૂ.14 કરોડથી વધારે રકમ ચૂકવવામાં આવી છે. ટેન્ડરમાં તળાવ સફાઇ કરવા માટેનો અનુભવ માટેનો નિયમ ફરજિયાત કરવામાં આવેલ છે ? વર્ષના 12 મહિનામાં 4- 5 મહિના જ વરસાદ પડે છે. જેથી, તળાવોમાં પાણી ભરાય છે બાકીના 7 મહિના તળાવો સુકાયેલા રહે છે તેમ છતાં આખા વર્ષ માટે કેમ ટેન્ડર બહાર પાડી કેમ એજન્સીઓને 1 વર્ષ માટેની રકમ ચૂકવવામાં આવે છે ? વગેરે જેવા પ્રશ્નો સર્જાયા છે.


