- સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે PILમાં કોર્ટ સહાયકે હાઈકોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
- આ રીતે તો ક્યારેય સાબરમતી નદીનું શુદ્ધિકરણ શક્ય જ બનવાનું નથી : હેમાંગ શાહ
- હાઇકોર્ટે હવે દર મહિને અમ્યુકોને સોગંદનામું અને સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો
સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન આજે કોર્ટ સહાયક દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી)ની એફિડેવિટનો આધાર લઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, એકબાજુ, સાબરમતી નદીને શુધ્ધ કરવાના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે અને અદાલત પણ આ સમગ્ર મામલે ગંભીર છે પરંતુ કમનસીબ બાબત એ છે કે, ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ ડોમેસ્ટીક સુએઝ તેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફ્તે ટ્રીટ કર્યા વિના સીધેસીધુ સાબરમતી નદીમાં ઠાલવી રહ્યું છે. આ પ્રકારે સાબરમતી નદીનું શુદ્ધિકરણ શકય નહી હોવાની સાફ્ વાત કોર્ટ સહાયક હેમાંગ શાહે હાઇકોર્ટ સમક્ષ કરી હતી. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે સમગ્ર મામલાની બહુ ગંભીર નોંધ લીધી હતી. જેથી હાઇકોર્ટે હવે દર મહિને અમ્યુકોને સોગંદનામું અને સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.
હાઇકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ અમ્યુકોના એસટીપીનું દર મહિને ઇન્સ્પેકશન કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે સાથે જીપીસીબી, સીપીસીબી, અમ્યુકો સહિતના સત્તાધીશોના જોઇન્ટ ટાસ્ક ફોર્સ ટીમને પણ દર ત્રણ મહિને સ્થળ નિરીક્ષણ કરી ઇન્સ્પેકશન રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.
સાબરમતીમાં પ્રદૂષણ અંગેની જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન આજે અમ્યુકો તરફ્થી હાઇકોર્ટના નિર્દેશાનુસાર, અમ્યુકોના એસટીપી પ્લાન્ટ, તેની ક્ષમતા, અપગ્રેડેશન સહિતના મુદ્દે બ્લૂ પ્રિન્ટ રજૂ કરાઈ હતી. જો કે, તેમાં પણ ઘણી ખામીઓ અને વિગતોનો અભાવ હોવાનું હાઇકોર્ટે જણાવ્યું હતું. અમ્યુકો તરફ્થી બ્લુ પ્રિન્ટ રજૂ કરતાં જણાવાયું કે, હાલ અમદાવાદ શહેરમાં અમ્યુકોના 16 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, આ સિવાય આઠ જેટલા નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે. હાલના જે એસટીપી છે, તેમાંથી ચારથી પાંચ એસટીપી અપગ્રેડ કરાશે અને તેની કાર્યક્ષમતા વધારવામાં આવશે. જોકે, કોર્ટ સહાયક હેમાંગ શાહ દ્વારા અદાલતનું જીપીસીબીના સોગંદનામાંને ટાંકીને ધ્યાન દોરવામાં આવ્યું કે, અમ્યુકોના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના જીપીસીબી દ્વારા કરાયેલા નીરીક્ષણ દરમ્યાન સાત એસટીપી તા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ(એનજીટી)એ નિર્ધારિત કરેલા નોર્મ્સનું પાલન જ કરતા નથી. એટલું જ નહી, ખુદ અમ્યુકો દ્વારા જ ડોમેસ્ટીક સુએઝ તેના એસટીપીમાં ટ્રીટ કર્યા વિના બારોબાર જ સાબરમતી નદીમાં સીધેસીધુ ઠલવાઇ રહ્યું છે. કોર્ટ સહાયકની આ રજૂઆત બાદ હાઇકોર્ટ સમગ્ર મામલો બહુ ગંભીરતાથી લીધો હતો અને હવેથી અમ્યુકોને દર મહિને સ્ટેટસ રિપોર્ટ સાથે સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણબોર્ડને પણ અમ્યુકોના એસટીપીનું દર મહિને ઇન્સ્પેકશન કરવા અને તેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.


