- જૂનાગઢ પોલીસના તોડકાંડને પણ શરમાવે તેવો કાંડ અમદાવાદમાં થયાનો ઘટસ્ફોટ
- ડેપ્યુટેશન પર ગયેલા અધિકારીનો ઠપકો મળ્યાના થોડા દિવસોમાં PSIનું ક્રીમ પોસ્ટિંગ જતું રહ્યું
- પીઆઈના બચાવ અને બે કરોડ રૂપિયાની ખંડણીની પોલીસ બેડામાં ભારે ચર્ચા શરૂ થઈ છે
અમદાવાદ શહેરમાં જુનાગઢ પોલીસના તોડકાંડ કરતા પણ મોટા તોડની વાત બહાર આવતા પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. ડેપ્યુટેશન પર ગયેલા આઈપીએસ અધિકારીના ધ્યાને રાજસ્થાનના વોન્ટેડ બુટલેગરને પીએસઆઈએ એક કરોડ લઈ જવા દીધાની વાત આવતા તેઓ ગુસ્સે ભરાયા હતા. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ પીએસઆઈએ એક કરોડ લઈ બુટલેગરને જવા દીધા બાદ સ્થાનિક પોલીસને અગાઉથી જાણ કરી આરોપીને પકડાવી દીધો હતો. પીએસઆઈએ રૂપિયા લેવા છતાં પકડાવી દેતા બુટલેગરે પોતાના લાગતા વળગતા અધિકારીઓને સમગ્ર મામલે રજૂઆત કરતા આઈપીએસને જાણ થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બુટલેગર અને બૂકીને જુદા જુદા સ્થળોએ ઝડપી પીઆઈ,પીએસઆઈએ બે કરોડ પડાવ્યાની જાણ થતા આઈપીએસએ આ પોલીસ અધિકારીઓને બોલાવી ખખડાવ્યા હતા. આ ઘટના બાદ પીએસઆઈને ક્રીમ પોસ્ટિંગ પરથી હટાવી દેવાયા હતા. બીજી તરફ સમગ્ર મામલે પીઆઈના બચાવ અને બે કરોડ રૂપિયાની ખંડણીની પોલીસ બેડામાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનનો બુટલેગર ગુજરાત રાજ્યમાં દારૂનો જથ્થો પહોંચાડવાના મામલે અનેક ગુનામાં વોન્ટેડ હતો. આ બુટલેગર વિરુદ્ધ બનાસકાંઠામાં પણ ગુના દાખલ થયેલા હોવાથી તેણે શોધવા માટે પોલીસ સક્રીય હતી. જો કે, અગાઉ બનાસકાંઠામાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ અને તેના ઉપરી અધિકારીને બુટલેગરની બાતમી મળી હોવાથી તેઓએ એક યોજના બનાવી હતી.


