અમદાવાદમાં ૫૦૦ બાંધકામ તોડી પાડી વધુ એક તળાવ દબાણ મુકત કરાયું
૧૦૦૦ જવાનના બંદોબસ્ત સાથે વાંદરવટ તળાવમાં તંત્ર દ્વારા કરાયું ડિમોલેશન
અગ્ર ગુજરાત, અમદાવાદ
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલાં તળાવોમાંથી દબાણો દૂર કરીને એને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાયાં બાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 420 રહેણાક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાયાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 3 કલાકમાં એક મસ્જિદ અને બે મંદિર એમ કુલ ત્રણ ધાર્મિક સ્થાન સિવાયનાં તમામ બાંધકામોને તોડી પાડ્યાં હતાં.
કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી હતી. શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાન અને કોર્પોરેશનના 300 અધિકારી-કર્મચારી આ કામગીરીમાં જોડાયા હતા. 10 હિટાચી મશીન અને 5 JCB મશીન તેમજ શ્રમિકોની મદદથી આ કામગીરી કરાઈ હતી, સાથે જ વિસ્થાપિત પરિવારો માટે કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી.
વાંદરવટ તળાવના દબાણો દૂર થવાથી 28,227 ચોરસ મીટર જેટલી તળાવની જગ્યા તેમજ તળાવની બાજુમાં આવેલા AMCને ટી.પી.સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થતાં “બગીચા” ના હેતુ માટેના રિઝર્વ ફા.પ્લોટ નં.66ની 6658 ચો.મી. તથા વાંદરવટ તળાવની ફરતે આવેલા 18 મી. તથા 24 મી. પહોળાઇના ટી.પી રોડ પરથી 190 કાચા/પાકા દબાણો દૂર કરી કુલ 34,885 ચો.મી તળાવ તથા રિઝર્વ પ્લોટની જગ્યા તથા 770 મીટર લંબાઈનો ટી.પી રોડ ખુલ્લા કરવામાં આવ્યો છે. અસરકર્તા પૈકી કુલ 75 જેટલા જરૂરીયાતમંદ વિસ્થાપીતોને લાંભા તથા નારોલના શેલ્ટર હાઉસમાં એએમટીએસની બસો મારફતે શિફ્ટ કરવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં તળાવની જગ્યામાંથી ડેબ્રિઝ/કાટમાળ દૂર કર્યા બાદ તળાવના વિકાસની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં તળાવના ઈન્ટરલીંકીગ પ્રોજેક્ટ અંતર્ગત વાંદરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ તથા રોપડા તળાવનાં જોડાણની કામગીરીથી સદર લો લાયીંગ એરીયામાં ભરાતા પાણીની સમસ્યા તથા ખુલ્લા થયેલા રોડથી ટ્રાફીકની સમસ્યાનુ નિવારણ થશે.


