- એલિસબ્રિજ પોલીસે લગ્નમંડપમાં પહોંચીને તપાસ કરી
- વરરાજાની એરગનથી ફાયરિંગ કર્યાની કબૂલાત
- પોલીસે એરગનને કબ્જે લઇને વધુ તપાસ હાથ ધરી
લગ્નની ખુશીમાં આવીને વરરાજાએ વરઘોડામાં હાથી પર સવાર થઇને હવામાં ફાયરિંગ થવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ હતી. આંબાવાડીના ભુદરપૂરા પાસેની ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસે લગ્નમાં પહોંચી ગઇ હતી. લગ્ન પૂર્ણ થતાં જ પોલીસે વરરાજાની પૂછપરછ કરીને નિવદેન નોંધતાં હવામાં ફાયરીંગ એરગનથી કર્યાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે એરગનને કબ્જે લઇને વધુ તપાસ હાથ ધરી છે.
આંબાવાડી ભુદરપુરા પાસે આવેલા સંત કબીર ફ્લેટ પાસે વરઘોડો નીકળ્યો હતો. હાથી પર બેસીને ખુશીમાં વરરાજાએ લોંગ બેરલ જેવા હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. ત્યાં હાજર જાગૃત નાગરિકે આ વીડિયો વાઇરલ કર્યો હતો. આ વાઇરલ વીડિયો એલિસબ્રિજ પોલીસના ધ્યાને આવતાં દોડતી થઇ હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરતાં તેઓ લગ્ન પ્રસંગમાં પહોંચી હતી. ત્યાં પહોંચતા જ વરરાજા પ્રદિપ વાઘેલા (રહે. કલોલ) લગ્નનિ વિધીમાં વ્યસ્ત હતા. જેથી પોલીસે લગ્ન પુર્ણ થતાં જ વરરાજાની પૂછપરછ કરતાં એરગનથી ફયરિંગ કર્યુ હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે વરરાજાનું નિવેદન નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટના બાબતે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, વરઘોડામાં ફાયરિંગનો વીડિયો વાઇરલ થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જેમાં ફાયરિંગ કરનાર વરરાજા સુધી પોલીસ પહોંચી હતી. લગ્ન પ્રસંગમાં જ પોલીસે વરરાજા પ્રદિપ વાઘેલાનું નિવેદન નોંધ્યું હતું.


