- અમેરિકામાં બે નંબરી જનારા સાવધાન… શોર્ટકટ પ્રવાસીઓને ભારે પડી રહ્યો છે
- ડિંગુચાથી લઈને નિકારાગુઆ અને જમૈકા કબૂતરબાજીનો મુખ્ય સૂત્રધાર શશી કિરણ રેડ્ડી
- અમેરિકા જવાનો ક્રેઝ આસમાને, ગેરકાયદે જવા લોકો એક કરોડથી વધુની રકમ ખર્ચે છે
ગુજરાતથી ગેરકાયદે વિદેશ જવાના ક્રેઝમાં હવે બમણો વધારો થઈ રહ્યો છે લોકો એવુ માને છે કે અમેરિકા જેવા વિક્સિત દેશમાં પહોંચતાની સાથે જ ડોલરોનો વરસાદ થવા લાગે છે આ ચસકો તેમને હવે ડોન્કી રુટ એટલે કે શોર્ટકટથી સીધા જેલ પણ પહોંચાડી રહ્યો છે. થોડા સમય પહેલા ડિંગુચા ગામેથી વિદેશ જવા નીકળેલુ દંપતી કેવી રીતે એજન્ટોની જાળમાં ફસાઈને મેકિસકો સરહદની કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈને મરી જવાના બનાવના પડઘા ઈન્ટરનેશનલ લેવલે પડયા હતા. આ ઘટના બાદ લોકોને એવુ લાગતુ હતું કે બે નંબરી જવા નીકળેલા લોકો ચેતી જશે પણ હજુય લોકો આવા જોખમી શોર્ટકટ અપવાનીને એજન્ટોની માયાજાળમાં ફસાઈને રુપિયાનું પાણી કરી જ રહ્યાં છે સાથોસાથ જેલની હવા પણ ખાઈ રહ્યા છે.
હાલમાં 253 મુસાફરો ભરેલી જમૈકાની ફલાઈટનો મામલો હોય કે ગત વરસે અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા 260 મુસાફરો પૈકીનાં 96 ગુજરાતીઓની નિકારાગુઆ વાળી ફલાઈટ હોય. તમામે તમામ લોકો તપાસ એજન્સીઓના હાથે ઝડપાઈ રહ્યાં છે. હવે આપને બતાવીએ કે કબુતરબાજીની નવી મોડસ ઓપરેન્ડી કેવી ચાલી રહી છે વરસોથી એક જ એમઓ હતી કે એજન્ટોની મદદથી ગુજરાતથી કેટલાક પરિવાર કે એકલ દોકલ લોકો અલગ અલગ વિમાન અને દેશ મારફતે અમેરિકામાં ઘુસી જતા હતા પણ હવે વિદેશ જવાનો ક્રેઝ બમણો નહી પણ ચાર ગણો થઈ જતા કેટલાંક ઈન્ટરનેશનલ એજન્ટો આખી ફલાઈટ બુક કરી રહ્યાં છે. આ ફલાઈટનુ બુકિંગ કર્યા બાદ દુબઈ દેશમાંથી 30 કરોડમાં વિમાન ભાડે લઈને નિકારાગુઆ કે કેરિબિયન ટાપુ જમૈકાના કિંગ્સ્ટન એરપોર્ટ રુટથી અમેરિકા જવા પ્રયાસ કરી રહ્યાં છે.
આ નવા ડંકી રુટનો માસ્ટર માઈન્ડ ઈમીગ્રેશન માફિયા શશી કિરણ રેડ્ડી ગણાય છે. પ્રાઈવેટ જેટ વિમાનને ભાડે લઈને આખી ફલાઈટ ભરીને મુસાફરોને અમેરિકા સુધી પહોચાંડે છે તાજેતરમાં શશી રેડ્ડી એજન્ટોની મદદથી દુબઈથી 30 કરોડમાં લેજન્ડ એરલાઈન્સનું વિમાન ભાડે લઈને મુસાફરોને નિકારાગુઆ એરપોર્ટ સુધી લઈ ગયા હતો. સૌથી મહત્વની વાત એ છે કે વધતા જતા કબુતરબાજીના કૌભાંડને રોકવા માટે અમેરિકા,ફ્રાન્સ, બ્રિટન, કેનેડા સહિતની એજન્સીઓ કડક બની છે તેમ ઈમિગ્રેશન માફિયા પોતાની કામ કરવાની સ્ટાઈલ પણ બદલી રહ્યાં છે, અત્યાર સુધીમાં બેનંબરી રીતે જવામાં સૌથી મોખરે અમેરિકાનો દેશ છે જયાં સૌથી વધુ કામનુ વળતર મળી રહે તેવું લોકો માને છે. તેને લઈને એજન્ટોની ટોળકી અમેરિકાની આસપાસ જોડાયેલા નાના, ગરીબ પછાત દેશમાં સક્રિય થઈ છે અમેરિકાની સરહદ સાથે જોડાયેલા દેશ સુધી આસાનીથી પહોંચી શકાય છે અને ત્યાં જઈને અમેરિકન-મેકિસકો બોર્ડર પરની સક્રિય એજન્ટોની ગેંગ આ મુસાફરોને જંગલ,બોટ, દિવાલ કુદાવીને અમેરિકા પહોંચાડે છે. જો દિવાલ કુદતા પકડાઈ જાય તો પણ વિવિધ સંગઠન કે કોમ્યુનિટિના નામે રાજયાશ્રય મેળવી લે છે.
અમેરિકા જવામાં સૌથી કપરું કામ મેકિસન બોર્ડર ક્રોસ કરવી છે
ભારતથી નિકારાગુઆ એરપોર્ટ કે જમૈકાના કિંગ્સ્ટન એરપોર્ટ સુધી પ્રવાસીઓ પહોંચાડવાના અને ત્યાંથી બાય રોડ મેકિસકો લાઈન થઈને અમેરિકામાં ઘુસાડવાના અલગ અલગ રેટ ચાલે છે. હાલમાં અમેરિકા પહોચાડવાનો ભાવ પ્રત્યેક મુસાફર દીઠ 80થી એક કરોડનો ચાલે છે. ભારતમાંથી જ બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને યુએસ પહોચાડવા સુધીની એજન્ટોની આખી લિંક કામ કરી રહી છે જે યુએસ સુધીની સમગ્ર ચેનલ પાર કરાવે છે, નક્કી કરેલા એજન્ટો નિકારાગુઆથી મેકિસકો બોર્ડર સુધીનો 3200 કિલોમીટરનો રસ્તો નદીમાં બોટથી, કાર, લોડીંગ ટ્ર્કમા કે બંધ બોડીના મોટા ટ્રેલરમાં માલસામાનની વચ્ચે છુપાવીને પાર કરાવે છે. મેકિસકો બોર્ડરથી અમેરિકા પહોંચવા માથાદીઠ 3 થી 5 હજાર ડોલર ત્યાંના એજન્ટોને આપવા પડે છે. ઈમીગ્રેશન માફિયા શશી રેડ્ડી અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં ગેરકાયદે જવા માટે પ્રવાસીઓને અલગ અલગ પેકેજ આપે છે. જો પ્રવાસી સિંગલ હોય તો 80 લાખથી એક કરોડનો ભાવ અને આખુ ફેમીલી હોય તો સરેરાશ 60થી 70 લાખનો ભાવ લે છે. અત્યાર સુધી ગુજરાતમાંથી જે લોકો ગેરકાયદે અમેરિકા પહોચે છે તેમાં અડધા પૈસા એજન્ટને પહેલા અને બાકીના પૈસા ત્યાં પહોંચીને ગુજરાતમાંથી હવાલા થકી ચુકવાતા હોય છે.
15 વર્ષથી વિદેશમાં ઘુસાડવાનું કામ ઈમિગ્રેશન માફિયા શશી કિરણ રેડ્ડી કરે છે
અત્યાર સુધી અમેરિકામાં ગુજરાત અને અન્ય રાજયમાંથી ગેરકાયદે હજારો લોકો ઘુસી ગયા છે અને ત્યાં સેટ થઈ ગયા છે જેમાં અનેક નાના-મોટા એજન્ટોની ભુમિકા છે. આ ટોળકીમાં એક કોમન નામ શશી કિરણ રેડ્ડીનું છે. હૈદરાબાદના રહેવાસી શશી કિરણ રેડ્ડી છેલ્લા 15 વરસથી કબુતરબાજીના નેટવર્કમાં સામેલ છે. રેડ્ડી અને તેની એજન્ટોની ટીમ અમેરિકા જવા માંગતા લોકોને પ્રવાસી બનાવીને પ્રવાસન સ્થળની મુલાકાતના બહાને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોને અમેરિકા પહોંચાડી દીધા છે. 2022માં થયેલા ડિંગુચા કેસથી લઈને નિકારગુઆ અને જમૈકાની પ્રાઈવેટ ફલાઈટમાં પણ તેની સંડોવણી ખુલી છે. ઉત્તર ગુજરાતથી લઈને પંજાબ અને મદ્રાસથી મુંબઈ,દિલ્હી લઈને દુબઈ સુધી શશી રેડ્ડીની ગેંગ ફેલાયેલી છે. જેમાં દિલ્હીના જગ્ગી પાજી, રાજુ મુંબઈ,માનસિંહ મુંબઈ, સલીમ અને સેમ દુબઈ જેવા નામ છે. રેડ્ડીની ટીમમાં ગુજરાતથી ચંદ્રેશ, પિયુષ. સંદિપ,માઈકલ એજન્ટો જોડાયેલા છે.
નિકારાગુઆ અને જમૈકાથી વાયા અમેરિકા કેવી રીતે જવાય છે
ભારત દેશમાંથી વિદેશમાં જવા અને ખાસ કરીને અમેરિકા જવા ધુમ કબુતરબાજી ચાલી રહી છે જેમાં સમયની સાથે અને એજન્સીઓની આંખમાં ધુળ નાંખવા ઈમીગ્રેશન માફિયા નવી તરકીબો અપનાવી રહ્યાં છે. ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માટે સૌથી પહેલા ભારતથી દુબઈ અને દુબઈથી સીધા નિકારાગુઆ એરપોર્ટ અથવા તો દુબઈથી કેરો- ઈજીપ્ત થઈ જમૈકાના કિંગ્સ્ટન એરપોર્ટનો રુટ ચાલી રહ્યો છે. જેમાં ફ્રાન્સના પેરિસ એરપોર્ટ પર ફરજીયાત પણે ફયુઅલ ભરાવવા રોકાવું પડે છે. દુબઈથી નિકારાગુઆ અને જમૈકાનો સૌથી લાંબો રુટ હોવાથી લાંબા અંતરના કારણે મોટાભાગનું ફયુઅલ પુરુ થઈ જાય છે. પેરિસ એરપોર્ટ પર આવા અસંખ્ય પ્રાઈવેટ વિમાનો ઉતરે છે પણ જે નિયમિત ન હોય તેવી ફલાઈટને રોકીને ત્યંાની એજન્સી દ્રારા તપાસ કરતા આખો માનવ તસ્કરીનો ભાંડો ફુટે છે. અત્યાર સુધી ગેરકાયદે અમેરિકામાં ઘુસવા સેન્ટ્રલ અમેરિકાનો રુટ પંસદ કરતા હતા પણ હવે અહી વિઝા ઓન અરાઈવલની સુવિધા બંધ કરાતા નિકારાગુઆનો રુટ ચાલુ થયો છે જયાં ઓન અરાઈવલની સુવિધા આસાનીથી મળી રહે છે.


