- સૌથી વધુ એમએસએમઈ બંધ થવા મુદ્દે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
- મંદી સહિતના વિવિધ કારણસર રાજ્યમાં 4 વર્ષમાં 4,861 એકમ બંધ થયા
- સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં 19.60 લાખ એકમોનું રજિસ્ટ્રેશન થયું છે
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં 4,861 જેટલાં એમએસએમઈ એકમોને તાળાં લાગી ગયા છે. જુલાઈ 2020થી 2024ના અરસામાં વિવિધ કારણસર આ એકમો બંધ થયા છે.સૌથી વધુ એકમો બંધ થવા મામલે ગુજરાત દેશના ત્રીજા નંબરે છે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અને તામિલનાડુ બાદ ગુજરાત આવે છે, પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન રદ્ કરવા, માલિકીમાં ફેરફાર, એક જ એકમનું બે વાર રજિસ્ટ્રેશન થવા સહિતના વિવિધ કારણો જવાબદાર હોવાનું એમએસએમઈ મંત્રાલયનું કહેવું છે. બીજી તરફ મંદી, આર્થિક તંગી વગેરે પણ કારણભૂત મનાય છે.
ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષના અરસામાં દર રોજ ચાર જેટલા એમએસએમઈ એકમ માંદા પડયા છે, જેમને તાળાં મારવાની નોબત આવી છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં 19.60 લાખ એકમોનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાં 1.07 કરોડ લોકોને રોજગારી આપવાનું કહેવાયું છે. કેન્દ્ર સરકારના એમએસએમઈ મંત્રાલયના જણાવ્યા મુજબ, ચાર વર્ષમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 12,233 એકમો બંધ થયા છે, બીજા ક્રમે તામિલનાડુમાં 6,298 એકમો જ્યારે ત્રીજા ક્રમે ગુજરાતમાં સૌથી વધુ 4,861 એકમો માંદા પડયા છે. એ જ રીતે રાજસ્થાનમાં 3,857, બિહારમાં 2414, હરિયાણામાં 1531, કર્ણાટકમાં 2240, કેરળમાં 1336, મધ્યપ્રદેશમાં 1653, તેલંગાણામાં 1236, ઉત્તરપ્રદેશમાં 3425, પશ્ચિમ બંગાળમાં 1548, દિલ્હીમાં 947 તેમજ જમ્મુ- કાશ્મીરમાં 516 એમએસએમઈ એકમો બંધ કરવામાં આવ્યા છે. ચાર વર્ષના અરસામાં દેશભરમાં 49,342 એકમોને તાળાં વાગ્યા છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે લોન ઉપર વ્યાજ સહાય સહિતની પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવાઈ છે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વેગ મળે તે માટે પ્રયાસો કરાય છે પણ મંદી સહિતના વિવિધ કારણસર આવા નાના એકમોને તાળાં પણ વાગી રહ્યા હોવાનું ચિત્ર છે.


