- સન્માનજનક નોકરી મેળવી છતાં શિક્ષિત લોકો જ અપમાન કરે તે પીડાદાયક : શિક્ષિકા
- મેરિટ સાથે શિક્ષક ભરતીમાં સ્થાન મેળવનાર ટ્રાન્સજેન્ડર શિક્ષિકાના અન્ય સ્કૂલમાં હાજર થવા વલખાં
- એક ટ્રાન્સજેન્ડર શિક્ષિકાની ઘટના આંખના ખૂણાં ભીંજવી નાખે તેવી છે
સખત પરિશ્રામ કરી શિક્ષકની સન્માનજનક નોકરી પ્રાપ્ત કર્યાં બાદ પણ શિક્ષિત સમાજના જાતિભેદનો સામનો કરતી અમદાવાદની એક ટ્રાન્સજેન્ડર શિક્ષિકાની ઘટના આંખના ખૂણાં ભીંજવી નાખે તેવી છે. ઘાટલોડિયાની એક ગ્રાન્ટેડ શાળામાં ફાજલ થયા બાદ અન્ય શાળામાં સ્થાન મેળવવા માટે છેલ્લા ચાર મહિનાથી અમ્રિતા શુક્લ નામની શિક્ષિકાએ વલખાં મારવા પડયાં છે. શિક્ષિક સમાજનું જાતિભેદનું વલણ જોઈને આ શિક્ષિકાએ પોતાની વેદના ઠાલવતાં જણાવ્યુ હતું કે, જ્યારે હું નોકરી પર લાગી ત્યારે મને એવુ હતું કે, બધા જ આપણા છે અને એમાંય શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષિત લોકો તો અમારી સાથે કોઈ જ ભેદભાવ રાખતા નથી, પરંતુ ફાજલ થયા બાદ સ્કૂલોમાં હાજર થતાં વખતે ટ્રાન્સજેન્ડર હોવાની વાત સાંભળતા જ પ્રિન્સિપાલ-સંચાલકોનું આખુયે વલણ બદલાઈ જતુ જોયું છે. આમ સખત મહેનતના અંતે સન્માનજનક નોકરી મેળવ્યા બાદ મળતા અપમાનનો સોમનો ખૂબ પીડાદાયક હોય છે.
અમ્રિતા શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, હું વર્ષ-2021ની શિક્ષકની સીધી ભરતીમાં ઘાટલોડિયાની ત્રિવેણી વિદ્યાલય શાળામાં શિક્ષક તરીકે લાગી હતી. એ વખતે સમગ્ર રાજ્યમાં મેરિટમાં મારો 17મો ક્રમાંક હતો. બાદમાં આ સ્કૂલમાં વિદ્યાર્થી સંખ્યા ઘટતા મારી સાથે અન્ય શિક્ષકો પણ ફાજલ પડયા હતા. ડીઈઓ કચેરી દ્વારા મારો દસ્ક્રોઈ તાલુકાના પરઢોલ ગામની કર્મશિલા વિદ્યાવિહાર સ્કૂલમાં ઓર્ડર થયો હતો. જ્યારે હું હાજર થવા ગઈ ત્યારે ત્યાં પ્રિન્સિપાલ કે સંચાલક કોઈ મને મળ્યાં નહોતા, પરંતુ એ પછી સંચાલકોએ મને ન લેવાના ઈરાદા સાથે ડીઈઓ કચેરીમાં મારું વર્તન સારું ન હોવાના આક્ષેપ સાથે લેખિતમાં ફરિયાદ કરી હતી. હકીકતમાં મને કોઈ ત્યાં મળ્યું જ નહોતું. સાણંદની એક સ્કૂલમાં ગઈ તો ત્યાં શરૂઆતમાં મારી સાથે સારી વાત કરી પરંતુ જેવી મેં ટ્રાન્સજેન્ડર હોવાની જાણ કરી તો તેમનું વલણ બદલાઈ ગયું. એ જ સમયે મને પ્રત્યુત્તર આપ્યો કે અમારી કોઈ પ્રોબ્લેમ થાય તેવુ નથી જોઈતુ અને અત્યારે જગ્યા નથી. ત્યાર બાદ ઘાટલોડિયાની એક સ્કૂલમાં ગઈ તો ત્યાં પણ જગ્યા ન હોવાનું કહી ના પાડી દીધી. આમ શિક્ષિત સમાજનો મારા પ્રત્યેનો વ્યવહાર જાણી ખૂબ દુઃખ થયું હતું. હાલ ઘાટલોડિયાની અન્ય એક સ્કૂલ દ્વારા મને સ્વીકારવાની તૈયારી દર્શાવી છે અને ત્યાં બે-ત્રણ દિવસમાં હાજર કરશે તેવુ આશ્વાસન મળ્યું છે.


