ગુજરાત સરકાર દ્વારા યુવાધનને ધ્યાનમાં રાખીને મંગળવારે સાંજથી ગોગો પેપરના વેચાણ તેમજ સેવન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
ત્યારે એરપોર્ટ વિસ્તારમાંથી 72 લાખના ગોગો પેપર સાથે એક વેપારીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ઓઢવ, નરોડા, નારોલ અને કાગડાપીઠ વિસ્તારમાંથી પણ પોલીસે ગોગો પેપરનો જથ્થો પકડીને ચારથી વધુ શખ્સોને પકડયો છે. આ પાંચેય ફરિયાદ મામલે પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં પાન પાર્લર, ચાની કિટલીઓ પરથી સરળતાથી ગોગો પેપર યુવાનો ખરિદીને તેમાં ચરસ, ગાંજો ભરીને નશો કરતા હોવાનું સરકારને ધ્યાને આવતા તાત્કાલિક ગોગો પેપર પર પ્રતિબંધ લગાવી દિધો છે. ડ્રગ્સ મુક્ત ગુજરાત હેઠળ સરકાર દ્વારા પોલીસને તાત્કાલિક ગોગો પેપર વેચાણ કરતા શખ્સોને પકડીને તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં પાંચ જગ્યાથી ગોગો પેપરનો પોલીસે જથ્થો પકડીને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એરપોર્ટ વિસ્તારમાંથી 72 લાખ રૂપિયાના ગોગો પેપરનો જથ્થો રાખનાર વેપારીની પણ ધરપકડ કરી છે. જ્યારે ઓઢવ, નરોડા, નારોલ, કાગડાપીઠમાંથી પણ ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો છે. બીજી તરફ, અમદાવાદ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ દ્વારા શહેરમાં ગોગો પેપર વેચતા શખ્સો સામે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે.


