રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે કુલ ૨૮૦૦ કરોડની રકમના ચેક વિતરણનો ગૌરવશાળી સમારોહ અમદાવાદમાં યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે.
રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહિ, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે.
2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં જ્યારે અર્બનાઈઝેશનને પડકાર ગણવામાં આવતો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતી. આપણી વિરાસતને અનુરૂપ અર્બન ડેવલોપમેન્ટ મોડલ વિકસાવવા માટેની મૂળભૂત માળખાકીય સુવિધા નિર્માણનો મજબૂત પાયો તેમણે નાખ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જો વિઝનરી લિડરશીપ હોય અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે નાણાંની કોઈ કમી ના હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલપમેન્ટ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ શહેરી વિકાસ વર્ષથી પૂરું પાડ્યું છે.
2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું
શહેરી વિકાસ વર્ષ 2005ની બે દાયકાની એ સફળતાને પગલે મોર્ડન અર્બન ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનને વધુ ગતિ આપવા રાજ્ય સરકારે સર્વ સ્પર્શી, સર્વ પોષક અને સર્વ સમાવેશી નગરોના વિકાસની નેમ પાર પાડવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે એમ તેમણે કહ્યું હતું.
2800 કરોડ રૂપિયાની રકમના ચેકો વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કર્યા
મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પરથી કુલ 2800 કરોડ રૂપિયાની રકમના ચેકો વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કર્યા હતા. આ ચેક અર્પણ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 40 કરોડ મુજબ કુલ 360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપી હતી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ 308 કરોડ રૂપિયા મળીને સમગ્રતયા 2800 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપ્યા હતા.
વિકાસના કામોમાં ગુણવત્તાને અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપવાનું પ્રેરક સૂચન
મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને વિકાસ કામોના આયોજનમાં નાણાંની કોઈ તંગી ન રહે તેવું જે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સરકારે કર્યુ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, વધુને વધુ નાણાં લોકોના વિકાસ કામો માટે કેમ વાપરી શકાય તેની ક્ષમતા હવે નગરપાલિકાઓએ હવે વધારવાની છે. તેમણે વિકાસના કામોમાં ગુણવત્તાને અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપવાનું પ્રેરક સૂચન કરતાં ઉમેર્યુ કે, સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે ત્યારે એ માટેના વધુ ઈનિસ્યેટિવ લેવાનું દાયિત્વ નગરપાલિકા-મહાનગરપાલિકાઓએ નિભાવવાનું છે. આપણા ૬ શહેરોએ સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિથી રાષ્ટ્રીય સ્તરે સ્થાને મેળવ્યું છે તે લિગસી ને આગળ વધારવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બધા જ શહેરોને લિડ લેવાનો અને વોર્ડ દીઠ કચરાનું 100 ટકા સેગ્રીગેશન કરવાનો તથા નગરપાલિકાઓમાં વીજ બિલની બચત માટે ગ્રીન ક્લિન સોલાર એનર્જીનો ઉપયોગ વધારવાનો ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો હતો.
બિલોના પેમેન્ટ માટે યુ.પી.આઈ.ના ઉપયોગને વેગ મળે
મુખ્યમંત્રીએ 2047ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો રોડમેપ “અર્નિંગ વેલ અને લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે તેમ જણાવતા કહ્યું કે, 2047ના વિકસિત ભારત પહેલાં 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીમાં આપણા શહેરોને દેશમાં ઉતકૃષ્ઠ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક છે. તેમણે સિટિઝન સેન્ટ્રીક ઈ-સર્વીસીસ અને મોબાઈલ ગવર્નન્સનો વ્યાપ વધારીને બધા જ શહેરોમાં ટેક્ષ કલેક્શન, વીજ બિલ સહિતના બિલોના પેમેન્ટ માટે યુ.પી.આઈ.ના ઉપયોગને વેગ મળે તે જોવાનો પણ અનુરોધ મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓને કર્યો હતો.
અનેક શહેરો એ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે શહેરી વિકાસ માટે એક જ સ્થળેથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક અર્પણ કરવાના આ કાર્યક્રમ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી પ્રજાની સમસ્યાઓ અને તકલીફોના સમાધાન માટે સતત પ્રયાસરત રહે છે. તેમણે કહ્યું કે મહેસૂલ અને શહેરી વિકાસ ક્ષેત્રે સમસ્યાઓનાં ઉકેલ શોધવા મુખ્યમંત્રીએ સતત પ્રયાસરત રહીને જન સુખાકારીના અનેકવિધ કાર્યો પૂર્ણ કરાવ્યા છે. એમના જ કાર્યકાળમાં આજે અનેક શહેરો એ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
ગુજરાતનાં શહેરો અને જિલ્લાઓ સતત વિકાસપથ પર તેજ ગતિથી આગળ વધ્યાં
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ત્રણ દાયકા પહેલાંની સરકારોના સમયમાં નાગરિકોએ માળખાગત સુવિધાઓના અભાવે સતત તકલીફોમાં જીવવું પડતું હતું. પરંતુ, નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શાસનધૂરા સંભાળ્યા બાદ ગુજરાતનાં શહેરો અને જિલ્લાઓ સતત વિકાસપથ પર તેજ ગતિથી આગળ વધ્યાં છે અને આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છે. તેમણે ઉચ્ચકક્ષાની માળખાગત સુવિધાઓ સાથે નગરોના સતત વિકાસ વિશે વાત કરતાં કહ્યું કે રાજ્યની ૯ નગરપાલિકાઓ આજે મહાનગરપાલિકાઓ બની છે. ધોલેરા અને ગિફ્ટ સિટીનું ઉદાહરણ આપી, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. સ્વચ્છતા સહિત અન્ય ક્ષેત્રોમાં અને નાગરિક સુવિધાઓ માટે ઉપસ્થિત સૌને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા એકસાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.


