- પ્રથમ વર્ષે રૂ.338 કરોડ અને પછી દર વર્ષે 5 ટકા વધારા સાથે આંકડો અધધ રૂ. 5,381 કરોડ
- હાલ સાતેય ઝોનનો વાર્ષિક રૂ. 240 કરોડમાં કોન્ટ્રાક્ટ હતો, નવા ટેન્ડરથી પ્રથમવર્ષે જ 100 કરોડ વધે છે
- કોન્ટ્રાક્ટરોએ કામ લેવા વચેટિયાઓનો સહારો લીધો!
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર વિવાદીત પ્રોજેક્ટના 12 વર્ષના કોન્ટ્રાક્ટનો પહેલી જુલાઇથી અમલ શરુ થઇ રહ્યો છે. જે મુજબ પ્રથમ વર્ષે સરેરાશ રૂપિયા 338 કરોડ અને પછી દર વર્ષે 5 ટકા વધારા સાથે 12 વર્ષે આંકડો અધધ 5,381 કરોડે પહોંચશે. હાલ ડોર ટુ ડોર માટે સાતેય ઝોનમાં વાર્ષિક રુપિયા 240 કરોડનો ખર્ચ થાય છે.
હવે જુલાઇ-2024થી વધીને સરેરાશ દર વર્ષે 338 કરોડનો ખર્ચ થશે. કુલ ચાર કંપનીઓએ ભાગ લીધો હતો. તમામને કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. સૌથી મહત્વની બાબત એ છેકે, ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરો કામ નહીં કરતા હોવા સહિત ભ્રષ્ટાચારની મોટાપાયે ફરિયાદો ઉઠી છે. આમ છતાં દસ વર્ષનો અને પછી બે વર્ષનો સમય વધારી આપવા સહિત 12 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં કોનું હિત છે ? તેની ચર્ચાએ ગાંધીનગર સુધી ખળભળાટ મચાવ્યો છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચૂપચાપ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલી બને તે પહેલાં કચરોડ ઉપાડવાનના ડોર ટુ ડોરના રુપિયા 5,381 કરોડની 7 દરખાસ્તો મંજૂર કરી દીધી હતી. મ્યુનિ. દ્વારા રૂપિયા 315 કરોડની બેઝ પ્રાઇઝ સાથે વર્ષ 2024થી 2035ની સમય મર્યાદા માટે જુદા જુદા 7 ટેન્ડરો બહાર પાડયા હતાં. જેની સામે કુલ 4 કંપનીઓએ વાર્ષિક રુપિયા 338 કરોડના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત માર્ચ-2024માં સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાઇ હતી અને મંરુર પણ કરી દેવાઇ હતી.
કોન્ટ્રાક્ટરોએ કામ લેવા વચેટિયાઓનો સહારો લીધો!
મ્યુનિ. ના સુત્રો કહ્યું કે, ડોર ટુ ડોર કચરો ઉપાડવાના કામના કોન્ટ્રાક્ટરો કામ મેળવવા માટે વચેટિયાઓનો સહારો લીધો છે. હવે વચેટિયાઓએ કેવી રીતે ખેલ પાડયો અને કેટલી ટકાવારીમાં ખેલ પાડયો ? તેની ચર્ચાએ મ્યુનિ.ની સાતેય ઝોનની કચેરીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. અધિકારીઓને ખબર છે પણ મગનું નામ મરી પાડતા નથી. કેટલાક અધિકારીઓએ કહ્યું કે, ઉચ્ચકક્ષાએથી કોન્ટ્રાક્ટ નક્કી કરાયો છે. વચેટિયાઓનું વર્ચસ્વ એટલું છેકે, બહારની કંપનીઓ પણ મ્યુનિ.નો કોન્ટ્રાક્ટ મેળવવા આવા જ વચેટિયાઓ સંપર્ક કરે છે.
12 વર્ષનું કામ ઇજારાશાહી, મુખ્યમંત્રી સુધી રજૂઆત
મ્યુનિ.કોર્પોરેશનમાં કોઇ પણ કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ સુધી અપાય ત્યાં સુધી બરોબર છે. પરંતુ એક સાથે 12 વર્ષનું કામ આપી ઇજારાશાહી કરી દેવાની વાત તદ્દન ખોટી હોવાનું પૂર્વ અધિકારીઓ માની રહ્યા છે. આ કામનો દૂર ઉપયોગ થશે. અધિકારીઓ બદલાયા કરે છે, તેઓને કોન્ટ્રાક્ટર સાથે કામ લેવા માંથા પછાડવા પડશે. એક રીતે કહીએ તો કોન્ટ્રાક્ટર મ્યુનિ. અધિકારીઓને ગાંઠશે જ નહીં. સરકારે આવા કોન્ટ્રાક્ટ રદ કરીને માત્ર પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ કરવા મુખ્યમંત્રી સુધી રજૂઆતો થઇ છે.


