- ફાયર સેફ્ટી નથી, 500 બાળકોના જીવ જોખમમાં મૂક્યા
- સ્કૂલની ગેરરીતિની ફરિયાદ મળતા શહેર DEOએ નોટિસ ફટકારી
- આ એક જ કેમ્પસમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ગ્રાન્ટેડ ચાલે છે
શહેરના મણિનગર રામબાગ પાસે આવેલી જીવકોરબા લલ્લુભાઈ હાઈસ્કૂલ કેમ્પસમાં સુભારતી પ્રાથમિક સ્કૂલને બેઝમેન્ટમાં જ વર્ગો શરૂ કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે. આ સ્કૂલે તમામ નિયમો નેવે મૂક્યાં હોવાની ફરિયાદ ઊઠી છે. અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુધી ફરિયાદ પહોંચતા સ્કૂલને નોટિસ ફટકારી છે,
જેમાં ડીઈઓ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા તેમજ સ્કૂલની મંજૂરીના તમામ આધાર પુરાવા રજૂ કરવાની સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આ એક જ કેમ્પસમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ગ્રાન્ટેડ ચાલે છે. એ સિવાય પ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરી એમ અન્ય બે ખાનગી સ્કૂલો ચાલે છે. આમ ચાર સ્કૂલો ચાલતી હોવા છતાં આ ટ્રસ્ટ દ્વારા વધુ એક ખાનગી સ્કૂલની બોર્ડમાં મંજુરી માગવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ડીઈઓ કચેરીમા થયેલી રજૂઆતમાં જીવકોરબા શાળાના પાંચમાં માળે પતરા નાખી કલાસ બનાવી ભણાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. ઉપરાંત ભોંયરામાં કોઈ પણ જાતની ફાયર સેફ્ટી વગર 500થી વધારે બાળકોને જીવના જોખમે ભણાવાતા હોવાનું જણાવાયું હતું. નિયમ પ્રમાણે ભોંયરામાં મંજુરી ન મળે તેમ છતાં સ્કૂલ દ્વારા ભોંયરામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. આ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવ્યા બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલને નોટિસ ફ્ટકારી છે.


