- રિવરફ્રન્ટ પિકનિક હાઉસ પાસે બાઇકચાલકનાં મોત થયાનો મામલો
- થાર કારે બાઈકને ટક્કર મારી 50 ફૂટ ઢસડતા યુવકનું મોત થયું હતું
- ટ્રાફ્કિ પોલીસે તાત્કાલિક કાર માલિક અને ફરાર ચાલકને ઝડપી લીધા હતા
રિવરફ્રન્ટ પિકનિક હાઉસ ત્રણ રસ્તા પાસે થાર કારે બાઈકને ટક્કર મારી 50 ફૂટ ઢસડયો હતો. જેમાં બાઈકચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. ત્યારે ટ્રાફ્કિ પોલીસ દ્વારા 48 કલાક થઈ ગયા હોવા છતા પણ આરોપીને પકડી શકી ન હોવાથી મૃતકના સગા સંબંધીઓએ પોલીસ સ્ટેશન પાસે ભેગા થઇને રસ્તો રોકીને હોબાળો કર્યો હતો.
જેમાં ટ્રાફ્કિ પોલીસની કામગીરીને લઈને હંગામો કર્યો હતો. જેથી ટ્રાફ્કિ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર થાર ચાલકને ઝડપી પાડયો હતો. થાર ચાલક પોતે ડ્રાઈવર હોવાનું તથા એરપોર્ટ જતો હતો ત્યારે અકસ્માત કર્યો હોવાનું જણાવ્યું હતુ.
ચાંદખેડામાં રહેતા 37 વર્ષીય હર્ષદ પરમારને રિવરફ્રંટ પાસે બાઈક લઈને પસાર થતા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી થાર કારચાલકે ટક્કર મારી હતી. અકસ્માત થતા જ બાઈક કારમાં ફ્સાઈ ગઈ હોવાથી હર્ષદભાઈ બાઈક સાથે 50 ફૂટ સુધી ઢસડાયા બાદ તેમનુ મોત થયુ હતુ. આ અંગે થાર ચાલક આરોપી ન પકડાતા સોમવારે રાત્રીના સમયે મૃતકના સગા સંબંધીઓ મીઠાખળી ચાર રસ્તા પાસે આવેલા બી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશન સામે નારે બાજી કરીને વિરોધ કર્યો હતો. પોલીસની કામગીરી સારી ન હોવાના આક્ષેપ સાથે રસ્તા પર હંગામો કર્યો હતો. જેથી બી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે અકસ્માતની જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવીને થારના માલિક વિજયકુમાર સોનીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં થાર તેમનો ડ્રાઈવર રામચંદ્ર પ્રજાપતિ ચલાવતો હોવાનું સામે આવ્યું હતુ. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા માલિકના પુત્ર મોહિત જયપુરથી અમદાવાદ ફ્લાઇટમાં આવ્યો હોવાથી તેને એરપોર્ટ ખાતે લેવા જતા અકસ્માત કર્યો હોવાનુ નિવેદન આપ્યુ હતુ અકસ્માત બાદ તે ગભરાઈ ગયો હોવાથી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતુ. હાલ પોલીસે કાર જપ્ત કરીને કારના માલિક વિજયકુમાર સોનીને પણ પૂછપરછ કરી છે.


