ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધુ 1 કલાકનો સમય આપવામાં આવશે. અત્યાર સુધીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ 30 મિનિટ વધુ ફાળવવામાં આવતી હતી. આ વધારાના સમયમાં વધુ 30 મિનિટનો ઉમેરો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સિવાય ધોરણ.12 સાયન્સના પ્રેક્ટિકલ વિષયોમાં પ્રયોગના બદલે એમસીક્યુ આધારિત પ્રશ્નો પૂછવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફારો કર્યાં છે. બોર્ડે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, દિવ્યાંગ વિદ્યાર્થીને પ્રશ્નપત્રના દરેક કલાકે 20 મિનિટનો વળતર સમય આપવામાં આવશે. એટલે કે, 1 કલાકના પેપરમાં 20 મિનિટ, 2 કલાકના પેપરમાં 40 મિનિટ અને ત્રણ કલાકના પ્રશ્નપત્ર માટે 60 મિનિટનો વધારાનો સમય ફાળવાશે. આ વળતર સમય લહિયાની મદદ લે અથવા ન લે તો પણ આપવામાં આવશે. એ સિવાય ધોરણ.12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પ્રાયોગિકમાં પ્રયોગકાર્યને બદલે એટલા જ ગુણનું એમસીક્યુ આધારિત પ્રશ્નપત્ર આપવામાં આવશે. ધોરણ.11 સાયન્સમાં પણ શાળાકક્ષાએ પ્રયોગકાર્યના બદલે એમસીક્યુ આધારિત પ્રશ્નપત્ર પૂછવામાં આવશે. પ્રાયોગિક કાર્યના બદલે એમસીક્યુ આધારિત પેપર વૈકલ્પિક પ્રશ્નપત્ર રાખવા માગતા વિદ્યાર્થીઓએ પરીક્ષાના 15 દિવસ પહેલાં આચાર્ય અને ડીઈઓને રજૂઆત કરવાની રહેશે.


