- વાહનવ્યવહાર વિભાગ દ્વારા ઇ-ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઇ-ચલણ સિસ્ટમ અમલી બનાવાશે
- આગામી એક મહિનામાં અમલ શરૂ થશે, ટોલપ્લાઝાના સર્વર સાથે વાહન-4નું સર્વર લિંક કરાશે
- પ્રથમ તબક્કામાં અમદાવાદના અઢી લાખ સહિત રાજ્યના 10 લાખ કોમર્શિયલ વાહનોને સીધી અસર
જો તમારા વાહન પર પીયુસી, ટેક્સ, વીમો, પરમીટ કે ફિટનેશ સહિતના પુરાવા બાકી હશે અને તમારું વાહન ટોલપ્લાઝા પરથી પસાર થતું હશે તો વાહન પર ઓટોમેટિક ઇ-ચલણ જનરેટ થઇ જશે.વાહનવ્યવહાર વિભાગ દ્વારા ઇ-ડિટેક્શન પ્રોજેકટ હેઠળ ઓટોમેટિક ઇ-ચલણ સિસ્ટમ અમલી બનાવાઇ છે.
જેનો અમલ આગામી એક મહિનામાં થશે. પ્રથમ તબક્કામાં અમદાવાદના અઢી લાખ સહિત રાજ્યના 10 લાખ કોમર્શીયલ વાહનોને સીધી અસર થશે. બીજા તબક્કામાં ખાનગી વાહનોનો સમાવેશ કરાશે. ટોલપ્લાઝાના સર્વર સાથે વાહન-4નું સર્વર લિંક કરી દેવાથી ટોલપ્લાઝા પરથી પસાર થતાં વાહનોના બાકી કોઇ પુરાવા હશે તો ઓટોમેટિક ઇ-ચલણ જનરેટ થશે. હાલમાં આરટીઓમાં વાહનની કામગીરી કરવા જાવો ત્યારે તમારી પાસે વાહનના પૂરતા પુરાવા ના હોય તો ઓનલાઇન કે ઓફલાઇન કોઇ કામગીરી થતી નથી. બાકી પુરાવા અંગે પણ આરટીઓનું કામ કરવા જાય ત્યારે જ વાહન માલિકને જ ખબર પડે છે. પરંતુ હવે ટોલપ્લાઝામાંથી વાહન પસાર થતાંની સાથે જ ઓટોમેટિક ઇ-ચલણથી જાણ થઇ જશે.
નિયમ ભંગ કરતા વાહન માલિકો અમલ કરતા થઈ જશે
હાલ વાહન પરના આવશ્યક દસ્તાવેજો નહીં હોવા છતાં રસ્તા પર વાહન દોડાવીને ઘણા કોમર્શિયલ અને ખાનગી વાહન માલિકો નિયમ ભંગ કરતા હોય છે. ઇ-ડિટેકશન પ્રોજેકટ હેઠળ ઓટોમેટિક ઇ-ચલણથી આવા વાહન માલિકો પોતાના વાહનના તમામ પુરાવા રાખતા થઇ જશે અને અમલ પણ કરશે.
વાહનવ્યવહાર વિભાગે એસોસિયેશનને સાથે રાખી નિર્ણય કર્યો નથી
કોમર્શિયલ વાહનના વિવિધ એસો.ના સભ્યોએ કહ્યું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમલવારી કરવાની વાત ધ્યાનમાં છે, પરંતુ એસો.ને સાથે રાખીને નિર્ણય કર્યો નથી. કોમર્શિયલ વાહન પર ટેકસ કે અન્ય કોઇ રકમ પરત લેવાની હોય તો મહિનાઓ સુધી મળતી નથી અને વાહન પર સરકારી પુરાવા બાકી હોવાની રકમ ત્વરિત વસૂલવાનું આયોજન થઈ રહ્યું છે.
વાહન માલિકના મૂંઝવણભર્યા પ્રશ્નોના ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલા જવાબ ઓટોમેટિક ઇ-ચલણ એટલે શું ?
વાહન પર પીયુસી, ટેકસ, વીમો, ફિટનેશ, પરમિટ જેવા પુરાવા ના હોય તેવા કિસ્સામાં ટોલપ્લાઝા પરથી વાહન પસાર થાય ત્યારે સ્કેનીંગ થાય અને ઇ-ચલણ ઇસ્યુ થાય.
સ્ટેટ કે નેશનલ હાઇવેના ટોલપ્લાઝા પર વાહન પર ઇ-ચલણ જનરેટ થશે ?
અમદાવાદ સહિત રાજ્યના તમામ ટોલ પ્લાઝા પર વાહન સ્કેનિંગ કરીને ઇ-ચલણ જનરેટ થશે.
વાહનના ડેટા ચોરી થવાની શક્યતા રહે ?
ના. ડેટા, ચોરી થઈ શકે નહીં
ઇ-ચલણ કેવી રીતે જોઇ શકાશે ?
ઈ-ચલણ ચેક કરવા e.parivahanની વેબસાઇટ પર જવું, વાહનનો નંબર નાખતા જ ચલણ જોવા મળશે.
ઇ-ચલણ કેવી રીતે ભરી શકાય?
પરિવહનની વેબસાઇટ પર નેટ બેંકિંગ, યુપીઆઈ, વોલેટ અને ડેબિટ-કાર્ડથી ભરી શકાય છે.
ઇ-ચલણ ભરવા માટે સમય મર્યાદા રહેશે ?
ઇ-ચલણ ભરવા માટેની સમય મર્યાદા નથી. પરંતુ વાહન સબંધિત કામગીરી કરવા જતાં પહેલા વાહન માલિકે ઇ-ચલણ કલીયર કરવું પડશે. આ પછી વાહન સંબંધિત ઓનલાઇન કે RTOમાં જઇને ફિઝિકલ કામગીરી થઈ શકશે.
પ્રથમ તબક્કામાં કયા પ્રકારના વાહનોનો સમાવેશ કરવામાં આવ્યા છે ?
પ્રથમ તબક્કામાં ટ્રક, ગુડ્સ, ખાનગી બસ સહિત તમામ કોમર્શીયલ વાહનોને સમવાયા છે. આમાંથી જે વાહનોમાં પુરાવા બાકી હશે તેવા વાહનોને ટોલ પ્લાઝા પરથી ઇ-ચલણ જનરેટ થશે.


