- 35 મુદતો પડી, ટ્રાયલ જજ પણ નિવૃત્ત થઈ ગયા, પરિવારજનોને ન્યાય ક્યારે? સવાલ ફરી ઊઠયો
- ઉતાવળે ચાર્જશીટ ફાઈલ કરી દીધું પરંતુ હવે કેસને અજગરી ભરડો થયો હોય તેમ સ્થગિત થઈ ગયો છે
- તથ્યકાંડને20 મી જુલાઈના રોજ એક વર્ષ પુરુ થવા આવી રહ્યુ છે
નવ નવ નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલના કેસમાં ઘટના સમયે થયેલા ઉહાપોહના પગલે સરકારે જાહેર કરેલું કે, આખા કેસની ટ્રાયલ અત્યંત ઝડપે પૂર્ણ કરી તથ્યને મહત્તમ સજા અપાવશે. પરંતુ 20 મી જુલાઈના રોજ એક વર્ષ પુરુ થવા આવી રહ્યુ છે આમ છતા આ કેસમાં સંકળાયેલી પોલીસ અને તંત્રને પણ આમાં કોઈ જ રસ હોય તેમ લાગતું નથી.
એટલું જ નહીં, તથ્ય પટેલના કેસમાં 35 મુદતો, ટ્રાયલ જજ વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા નવા જજ સમક્ષ મુકવામાં આવ્યો છે. અમદાવાદ સહિત ગુજરામાં નવ યુવકો અકસ્માતમાં મૃત્યુ પામતા ભારે ઉહોપોહ થયો હતો.જેના લીધે સરકારના નિર્દેશથી ટ્રાફીક પોલીસે વાહવાહ કરવા માટે સાત દિવસમાં જ આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે 1684 પાનાનું દળદાર ચાર્જશીટ તો રજૂ કરી દીધુ પરંતુ બહુ સૂઝબૂઝપૂર્વક આ કેસમાં સીઆરપીસીની કલમ-173(8) હેઠળ કેસની વધુ તપાસ માટે કોર્ટ પાસેથી પરવાનગી પણ મેળવી હતી. વધુ તપાસ દરમ્યાન બીજા સાક્ષીઓના નિવેદન અને તપાસમાં નવા જે પુરાવા હાથ લાગે તેને અદાલત સમક્ષ રજૂ કરી શકાય. પરંતુ ટ્રાફીક પોલીસ દ્વારા 173 (8) વધુ તપાસનો રિપોર્ટ હજુ સુધી કોર્ટમાં રજૂ કર્યો નથી. અત્યાર સુધીમાં તથ્ય પટેલે કાયદાની છટકબારીઓનો ગેરલાભ લઈ 35થી વધુ મુદતો મેળવી છે, તેની સાથે પોલીસ પણ ઢસડાઈ રહી છે.ત્યારે આ નવ નિર્દોષના મોત મુદ્દે પરિજનોને ક્યારે તથ્યકાંડને એક વર્ષ મળશે તે સવાલ ફરીથી ઉઠયો છે.
ઇસ્કોન બ્રીજ પર 142.5થી વધુની સ્પીડે બેફામ રીતે જેગુઆર ગાડી હંકારી એકસાથે નવ જણાને ઉડાવી દેનાર તથ્ય પટેલ વિરુધ્ધ ફાસ્ટ ટ્રેક કેસ કાર્યવાહી ચલાવવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.જેના ભાગરૂપે ટ્રાફીક પોલીસે ઘટનાને સાત દિવસમાં તપાસ પુરી કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં થોકબંધ દસ્તાવેજો અને મહત્ત્વના પુરાવાઓ સાથેનું દળદાર ચાર્જશીટ ફાઇલ કર્યુ હતું. તથ્ય પટેલ વિરૂધ્ધ ચકચારભર્યા એવા આ કેસમાં કલમ-308નો ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ કેસમાં 8 સાક્ષીઓના કલમ-164 મુજબના નિવેદનો પણ ચાર્જશીટમાં રજૂ કર્યા હતા. જો કે, તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા છેલ્લા એક વર્ષથી એક પછી એક કાયદાકીય મુદ્દા ઉપસ્થિત કરીને નીચલી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી હતી.જેના લીધે હાલમાં આ કેસમાં કાર્યવાહી સામે સ્ટે આવ્યો હોવાથી કેસ નીચલી કોર્ટમાં પડતર છે.
સાત જ દિવસમાં ચાર્જશીટ કરી પણ ટ્રાયલના ધાંધિયા
રાજયના ગૃહમંત્રીના સાત દિવસમાં ચાર્જશીટ કરવાના નિવેદન બાદ શહેર પોલીસ તે જ દિવસથી હરકતમાં આવી ગઇ હતી. બહુ હાઇપ્રોફાઇલ અને સંવેદનશીલ કેસની તપાસમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત 17 અધિકારીઓની ટીમે રાત-દિવસના ઉજાગરા કરી ભારે મહેનત અને જહેમત ઉઠાવી માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી બતાવ્યું હતુ પરંતુ પિડીતોને એક વર્ષ થયુ હોવા છતા ન્યાયથી વંચિત રાખવામાં આવી રહ્યા છે?.
માત્ર વાહવાહી મેળવવા જ નિવેદનબાજી
પોલીસે ભલે સાત દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધુ હોય પરંતુ તજજ્ઞોના મત જોવામાં આવે તો સરકારમાં વાહવાહ મેળવવા માટે વહેલુ ચાર્જશીટ ફાઈલ કરીને સંતોષ માનવામાં આવ્યો હતો. ખરેખર કાયદાકીય રીતે આરોપીઓ સામે કેસ કમિટ કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવતી હોય છે. આ પછી સરકારી વકીલ દ્વારા કેસ ઓપન કરવા અને પુરાવાનું લીસ્ટ આપવામાં આવે છે. ત્યારબાદ આરોપીઓ ડિસ્ચાર્જ અરજી કરવી હોય તો તે કરતા હોય છે. જો ના કરે તો આરોપીઓને કોર્ટ પુછતી હોય છે કે, ગુનો કબૂલ છે ત્યારે આરોપીઓ ના પાડતા હોય છે. ત્યારબાદ આરોપીઓને ચાર્જફ્રેમ કરવામાં આવતા હોય છે.જેના પછી સાક્ષીઓ સહિતની જુબાની , ઉલટ તપાસ સહિતની પ્રકિયા હાથ ધરવામાં આવતી હોય છે. આ કેસ જે જજ સમક્ષ મુકવામાં આવ્યો હતો તે જજ સમક્ષ પીએમએલએ, કંપની એકટ, ગુજકેટ સહિતના ગંભીર કેસો ચાલતા હતા. જો કે, સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની વાત કરી હતી જે મૌખિક જ કરી હોવાનું પિડીતો માની રહ્યા છે.
SG હાઈવે પર સીસીટીવી મૂકવાના દાવા હજુ અધ્ધરતાલ
તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગૃહ વિભાગના નિર્ણય મુજબ SG હાઈવે પર CCTV અને સ્પીડ સેન્સર ઈન્સ્ટોલ કરવા માટે એક સપ્તાહથી આ અંગે સર્વે શરૂ કરવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ પાંચથી છ મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જો કે, આજદિન સુધી આ કાર્યવાહી કાગળ ઉપર જ હોવાનું માનવામાં આવી રહ્યુ છે, કારણ કે, આ પછી ઈસ્કોન બ્રીજ અને એસજી હાઈવે ઉપર ઓવર સ્પીડને લીધ અકસ્માતની ઘટનાઓ ઉપરા છાપરી બની રહી છે અને ટ્રાફીક પોલીસ દ્વારા વખતો વખત સખ્ત કાર્યવાહી કરવાની વાતો કરે છે પરંતુ કોઈ વાસ્તવિક પરિણામ આજદિન સુધી આવ્યુ નથી. ઉલ્લેખનિય છે કે, અકસ્માત બાદ જાણવા મળ્યુ હતું કે, એસ જી હાઇવે પર સીસીટીવી કેમેરાનું સેટઅપ લગાવાયું નહોતુ.
તથ્ય પટેલ સામે કયા પુરાવા રજૂ કર્યા છે
કુલ 191 સાક્ષીઓના નિવેદન, 15 દસ્તાવેજી પુરાવા, અકસ્માતમાં ગુજરનાર વ્યકિતઓ 9, પંચનામા 9, કુલ પંચનામા 25, સારવાર સર્ટિફ્કિેટ 8, ઇજા પામનાર 12 જણાં, જેમાં બે સારવાર હેઠળ, ચાર્જશીટનો સમય ગાળો – સાત દિવસ


