રામોલમાં પ્રોહિબિશનના બે ગુનાઓમાં વોન્ટેડ બુટલેગરને પોલીસે ધરપકડ કરી હતી. આ બુટલેગરને છોડાવવા તેના પિતા સહિત બે શખ્સો પોલીસ સ્ટેશન પહોંચીને બીભત્સ શબ્દો બોલીને હંગામો મચાવ્યો હતો.
આટલુ જ નહીં, બન્ને શખ્સોએ ઝઘડો કરતા હાજર પોલીસકર્મીઓએ તેમની પણ અટકાયત કરી હતી. આ અંગે પોલીસકર્મીએ રામોલ પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
રામોલ પોલીસનો ડિ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગ કરીને વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહી હતી ત્યારે ડિ સ્ટાફની ઓફિસ પાસેથી વોન્ટેડ બુટલેગર પ્રકાશ ભુનેશ્વરસિંગ ઠાકોર ઊભો હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને પ્રકાશ ઠાકોરની ધરપકડ કરી હતી. આ બાદ પરિવારજનોને આ અંગે જાણ થતાં બુટલેગરને છોડાવવા તેની માસી આરતીબેને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તેમણે હાજર કર્મીઓને કહ્યું કે, અમારા છકરાને જામીન ઉપર છોડી દો તમે કેમ પકડયો છે ? આ સાંભળીને કર્મીએ કહ્યુ કે, પ્રકાશ વિરૂદ્ધ બે પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ છે તેના કારણે પ્રકાશની અટકાયત કરી છે અને મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ હોવાથી તેમને તાત્કાલિક જામીન મળી શકતા નથી. આ સમગ્ર વાત સાંભળીને આરતીબેન ત્યાંથી જતા રહ્યા બાદ પ્રકાશના પિતા ભુનેશ્વરસિંગ અને તેમનો મિત્ર બ્રિજેશ ઉર્ફે ભયલુ ભટ્ટ ત્યાં પહોંચીને તમે પ્રકાશને કેમ પકડયો છે તેવી બૂમાબૂમ કરીને બિભત્સ શબ્દ બોલીને હાજર પોલીસકર્મીઓ સાથે ઝઘડો કર્યો હતો. પોલીસકર્મીઓએ બન્નેને સમજાવવા માટે અનેક પ્રયાસો કર્યા છતાં બન્ને શખ્સો તમે પ્રકાશને કેમ ન છોડો તેમ કહીને ઉગ્ર ઝઘડો કરવા લાગતા પોલીસકર્મી કાર્તિકભાઇએ રામોલ પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.


