- અમરનાથ યાત્રામાં 3% કિસ્સામાં સર્ટી. ઈશ્યૂ ન થયા
- અમદાવાદથી યાત્રાએ જનારા યાત્રિકોનો ઉત્સાહ યથાવત્
- આ વખતે અત્યાર સુધીમાં 405 લોકોને પ્રમાણપત્ર અપાયા
અમદાવાદથી અમરનાથ યાત્રાએ જવા માટે સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 901 લોકોને હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા છે.જે પૈકી સોલા સિવિલમાંથી 496 અને અસારવા સિવિલમાંથી 405 યાત્રા ઈચ્છુકને સર્ટિ અપાયા છે.
સિવિલમાં જે અરજીઓ આવી તેમાં ત્રણ ટકા જેટલા લોકોમાં હૃદય રોગ કે અન્ય બીમારી હોવાનું સામે આવ્યું હતું, આવા કિસ્સામાં સર્ટિ. ઈશ્યૂ કરાયા નથી, પરંતુ વધુ સારવાર માટે તેમને જે તે હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
અસારવા સિવિલના સૂત્રો કહે છે કે, ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીના અરસામાં 446 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ અપાયા હતા, આ વખતે અત્યાર સુધીમાં 405 લોકોને પ્રમાણપત્ર અપાયા છે. એકંદરે અમરનાથ યાત્રા માટેનો ઉત્સાહ યથાવત્ છે. ગુજરાતમાં 99 જગ્યાએથી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે. તબીબોનું કહેવું છે કે, અમરનાથ યાત્રાએ ઊંચાઈવાળા સ્થળે જવા માટે જે તે વ્યક્તિ સક્ષમ છે કે કેમ, જેમ કે ચાલવાની તકલીફ તો નથીને, ફેફસાંની ક્ષમતા, કાર્ડિયાકને લગતી તકલીફ સહિતની બાબતોની ચકાસણી કરીને, ફિટનેસ સર્ટિ. આપવામાં આવે છે. સિવિલમાં ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર અમરનાથ યાત્રા ઈચ્છુકો માટે સર્ટિ લેવા માટેની સવલત ઊભી કરાઈ છે.


