સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો ફ્ક્ત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય તેમજ તેની આસપાસમાં આવેલ અન્ય વન્ય પ્રાણી અભયારણ્યો, વન વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરે છે. ગીરની બહાર આવેલ એશિયાઈ સિંહના વસવાટ અને અવર જવરના વિસ્તારો ગ્રેટર ગીર લાયન હેબિટાટ (બૃહદ ગીર) તરીકે ઓળખાય છે. ગિરનાર વન્ય પરની અભ્યારણ્ય ગ્રેટર ગીર લાયન હેબિટાટનો એક અગત્યનો ભાગ છે.
રાજ્ય સરકાર દ્વારા 178.80 ચો.કિ.મી. ગિરનાર અનામત જંગલને 2008માં વન્ય પ્રાણી અભ્યારણ્ય જાહેર કરાયો છે. ગિરનાર ક્ષેત્રના જૂનાગઢના ડીસીએફ જણાવ્યું કે, આજથી અંદાજીત 40 વર્ષ પહેલાં ગીરમાંથી એશિયાઈ સિંહ ગિરનાર જંગલની મુલાકાતે આવી પરત ગીરમાં પાછા ફરતા હતા. એશિયાઈ સિંહની વસ્તી વધતા 1995થી ગિરનાર જંગલ, વન્ય પરની અભયારણ્ય ખાતે એશિયાઈ સિંહે પોતાનો કાયમી વસવાટ શરૂ કરેલ છે. આજે પણ ગીર અને ગિરનાર વચ્ચેનો ભૂભાગ એશિયાઈ સિંહની અવરજવર માટે ખૂબ જ અગત્યનો કોરિડોર છે. 2025ની સિંહ ગણતરી અનુસાર કુલ 891 એશિયાઈ સિંહ વસવાટ કરે છે. જેમાંથી 54 સિંહો ગિરનાર અભયારણ્યમાં વસે છે. વર્ષ 2021માં અહીં ગિરનાર નેચર સફારીના 26 કિલોમીટરના રૂટને મંજૂરી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં સફારી, પ્રવાસીઓ, આવક (વાર્ષિક અંદાજ)
1) ગિરનાર નેચર સફારી : 6421 પ્રવાસીઓ (14,49,725 આવક)
2) ગીર અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન : 1,52,091 પ્રવાસીઓ (4,29,62,800 આવક)
3) દેવળિયા ગીર પરિચય ખંડ : 3,80,569 પ્રવાસીઓ (6,49,19,000)
4) આંબરડી સફારી પાર્ક : 50,126 પ્રવાસીઓ (85,08,100 આવક)
5) બરડા જંગલ સફારી : 2026 પ્રવાસીઓ (1,43,400)


