- ઇન્સ્ટીટયુટ ઓફ પ્લાઝમા રિસર્ચના પૂર્વ વૈજ્ઞાનિક સાથે ઠગાઈ
- દુકાનો અને જમીન રાખવા માટે પૈસા લઈને છેતરપિંડી
- ભરત દોશીએ 3.96 કરોડની છેતરપિંડી થયાની નોંધાવી ફરિયાદ
એક તરફ દેશ ડિજિટલ ઈન્ડિયા તરફ હરણફાળ ભરી રહ્યો છે તો તેની સાથે સાથે ગુજરાત સહિત દેશમાં છેતરપિંડી અને ઠગાઇની ઘટનાઓ પણ વધી ગઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે માત્ર ગરીબ અને ઓછું ભણેલા ભોળા લોકો જ નહિ પરંતુ હાઈલી ક્વોલિફાઇડ લોકો પણ ઠગાઇનો ભોગ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી જ્યાં એક પૂર્વ વૈજ્ઞાનિકને ગઠિયો છેતરી ગયો. અને લાખ બે લાખમાં નહિ પરંતુ 3 કરોડથી વધુની ઠગાઇ આચરી લીધી.
મળતી માહિતી મુજબ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રીસર્ચના પુર્વ વૈજ્ઞાનિક સાથે ઠગાઇ આચરવામાં આવી છે. પૂર્વ વૈજ્ઞાનિક ભરત દોશી સાથે દુકાનો અને જમીન રાખવા માટે પૈસા લઈ છેતરપિંડી આચરી હોવાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, ભરત દોશી સાથે 3.96 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રીસર્ચના પુર્વ વૈજ્ઞાનિક ભરત દોશીને તેમના સમાજના જ ચંદ્રકાંત શાહ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો અને દુકાનો અને જમીન લેવા માટે પૈસાની લેવડ-દેવડ કરવામાં આવી હતી. ચંદ્રકાંત શાહ નામના શખ્સે ઝુંડાલ પાસેની સ્કિમમાં દુકાનો લેવા તથા ગોતા પાસે જમીન લેવા માટે પૈસા લીધા હતા. જોકે, 3.96 કરોડ રૂપિયા લીધા બાદ ચંદ્રકાંત શાહ પલાયન થઈ ગયો હતો. આખરે ભરત દોશીને પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણ થતાં તેમણે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ઠગાઈની ફરિયાદને પગલે અડાલજ પોલીસે તપાસ શરુ કરી છે.


