ઝવેરીબજારમાં નવરાત્રી પૂર્વે ઝડપી તેજીની રમઝટ
અમદાવાદ/ મુંબઈ : વિશ્વ બજારમાં ઉદ્ભવેલી નવેસરની તેજી પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં નવરાત્રિ પૂર્વે તેજીની રમઝટ જોવા મળી હતી. નવી ઝડપી લેવાલ પાછળ આજે સોનામાં રૂા. ૧૧૦૦નો જ્યારે ચાંદીમાં રૂા. ૧૫૦૦નો ઉછાળો નોંધાતા તહેવારો ટાણેની નવી ખરીદી ઉપર બ્રેક વાગે તેવી સંભાવના બજારના વર્તુળોએ વ્યક્ત કરી હતી.
અમદાવાદ સોનાના ભાવ વધી રૂ.૬૧ હજારની સપાટી કુદાવી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૧૫૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૭૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ વધી રૂ.૭૨ હજારની સપાટી કુદાવી રૂ.૭૨૫૦૦ બોલાતા થયા હતા.
મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ કિંમતી ધાતુઓના ભાવમાં પ્રત્યાઘાતી તેજી ઝડપી ગતીએ આગળ વધી હતી. વિશ્વબજારમાં ભાવ ઝડપી ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં નોંધપાત્ર વૃધ્ધિ થતાં ઝવેરીબજારોમાં નવરાત્રી પૂર્વે તેજીની રમઝટ જોવા મળી હતી.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૧૨થી ૧૯૧૩ ડોલરવાળા ઉંચામાં ૧૯૩૨થી ૧૯૩૩ ડોલરના મથાળે સપ્તાહના અંતે બોલાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા. ઈઝરાયલ તથા પેલેસ્ટાઈલન યુધ્ધ પર નજર વચ્ચે વિશ્વબજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૨.૪૮ વાળા ઉંચામાં ૨૨.૮૧ થઈ છેલ્લે ભાવ ૨૨.૭૨થી ૨૨.૭૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણાના ઝવેરીબજારોમાં આજે નવરાત્રી પૂર્વે ભાવમાં તીવ્ર ઉછાળો આવતાં તહેવારોની નવી માગ પર અસર પડવાની શક્યતા પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધતાં વૈશ્વિક સોનાના ભાવ પર તેની પોઝીટીવ અસર જોવા મળી હતી.
વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૮૯.૫૪થી વધી ઉંચામાં ૯૧.૦૦ ડોલર થઈ છેલ્લે ભાવ ૯૦.૮૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૬.૫૩ વાળા ઉંચામાં ૮૭.૮૩ થઈ છેલ્લે ભાવ ૮૭.૬૯ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન યુધ્ધ વકરતાં વિશ્વબજારમાં ક્રૂડના ભાવ પર વધુ તેજીની અસર જોવા મળી હતી.
મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૮૧૬૩વાળા રૂ.૫૯૩૦૫ તથા ૯૯.૯૦ન ાભાવ રૂ.૫૮૩૯૬ વાળા રૂ.૫૯૫૫૫ બોલાતા થયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૯૭૩૧ વાળારૂ.૭૧૧૫૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૨૬ વાળા રૂ.૮૩.૩૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલ ઉછળતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ અસર જોવા મળી હતી.
દરમિયાન, અમેરિકામાં રશિયાના ક્રૂડના નિકાસકારો તથા શિપરો પર નવા પ્રતિબંધો જાહેર કર્યાના સમાચારની પણ ક્રૂડતેલ બજાર પર તેજીની અસર જોવા મળી હતી. આ પ્રતિબંધોની સખતાઈના પગલે વિશ્વબજારમાં રશિયાથી આવતો ક્રૂડતેલનો પુરવઠો રુંધાશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૮૮૧વાળા ૮૮૮ થઈ છેલ્લે ભાવ ૮૮૪થી ૮૮૫ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશદીઠ ૧૧૪૨ વાળા ૧૧૬૧ થઈ ૧૧૫૦થી ૧૧૫૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે ૦.૫૬ ટકા નરમ રહ્યા હતા. ચીન દ્વારા જાહેર થનારા નવા સ્ટીમ્યુલસ પ્રોગ્રામ પર કોપર બજારની નજર રહી હતી.