ઈઝરાયલે હમાસ પર હુમલાઓ તીવ્ર બનાવતાં તેજીનો માહોલ
અમદાવાદ,મુંબઈ : વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશદીઠ ૨૦૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના અહેવાલો પાછળ આજે દેશના સૌના-ચાંદી બજારમાં સોનાના ભાવમાં તોફાની તેજી જોવાઇ હતી. અમદાવાદ સોનાં-ચાંદી બજારમાં આજે સોનું રૂપિયા ૭૦૦ ઉછળીને રૂપિયા ૬૩ ,૦૦૦ની સપાયી કૂદાવી ૬૩,૫૦૦ પહોંચ્યુ ંહતું જો કે ચાંદી ૭૨,૫૦૦ની સપાટીએ રહી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૭૦૦ વધી રૂ.૬૩ હજારની સપાટી કુદાવી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૩૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૩૫૦૦ બોલાતા થયા હતા.
મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ ભાવમાં તીવ્ર તેજી જોવા મળી હતી. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં આજે શરદ પુર્ણીમાના દિવસે ભાવમાં નોંધપાત્ર તેજી દેખાઈ હતી.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૭૯થી ૧૯૮૦ વાળા વધી ઉંચામાં ૨૦૦૯થી ૨૦૧૦ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૨૦૦૬થી ૨૦૦૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૨.૭૪થી ૨૨.૭૫ વાળા વધી ૨૩ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૨૩.૧૩ થઈ છેલ્લે ભાવ ૨૩.૧૧થી ૨૩.૧૨ ડોલર રહ્યા હતા.
ઈઝરાયલ તથા હમાસ વચ્ચે સંઘર્ષ વધતાં તથા ઈઝરાયલ દ્વારા વળતા હુમલાઓ તીવ્ર ગતીમાં શરૂ કરાયાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં સોનામાં સેફ હેવન સ્વરૂપની લેવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા. ફંડોવાળા એકટીવ બાયર હતા. સોનામાં ભાવ વધતા માંડતા મંદીવાળાના વેંચાણો પણ કપાવા માંડતાં તેજીને વેગ મળ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
ઈઝરાયલે ગાઝાપટ્ટી પર વ્યાપક હુમલાઓ હવાઈમાર્ગે તેમજ ગ્રાઉન્ડ લેવલ પર શરૂ કર્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આ કારણસર ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૮૯.૪૧ વાળા ઉંચામાં ૯૦.૭૫ થઈ છેલ્લે ભાવ ૯૦.૪૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૪.૮૧ વાળા ૮૫.૯૦ થઈ ૮૫.૫૪ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૩થી ૯૦૪ વાળા વધી ૯૧૩થી ૯૧૪ થઈ ૯૦૭થી ૯૦૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૪૧થી ૧૧૪૨ વાળા જોકે ઘટી નીચામાં ભાવ ૧૧૧૭થી ૧૧૧૮ થઈ છેલ્લે ભાવ ૧૧૨૪થી ૧૧૨૫ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે વધી ૧.૭૦થી ૧.૭૫ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધી જતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વધી ગયાના નિર્દેશો મળ્યા હતા. રૂપિયા સામે આજે ડોલરના ભાવ રૂ.૮૩.૨૪ વાળા ઉછળી રૂ.૮૩.૩૬થી રૂ.૮૩.૩૭ બોલાતા થતાં રૂપિયો નવા તળીયે ઉતરી ગયાની ચર્ચા કરન્સી બજારમાં સંભળાઈ હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૫૮૧ વાળા રૂ.૬૧૩૫૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૮૨૫ વાળા રૂ.૬૧૬૦૦ બોલાત ાથયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૯૦૬ વાળા રૂ.૭૨૦૫૦ બોલાતા થયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.