- 28 હજાર સ્વ-સહાય જૂથોની બહેનોને 350 કરોડના લાભનું વિતરણ
- 500 મહિલાઓને આજીવિકાલક્ષી પ્રવૃત્તિમાં જોડવા MoU કરાયા
- નારીશક્તિને પ્રોત્સાહિત કરતાં તેમના મંડળોના ઉત્પાદનો તેમજ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વ-સહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો.આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની માતાઓ-બહેનોને આર્થિક આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાનના લખપતિ દીદી સંકલ્પમાં ગુજરાતે 7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે.
મુખ્યમંત્રીએ સખીમંડળની નારીશક્તિને પ્રોત્સાહિત કરતાં તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા આહવાન કર્યું હતું. ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત સખી સંવાદમાં 28 હજાર સ્વ-સહાય જૂથોની પોણા ત્રણ લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ રૂ. 350 કરોડના સહાય લાભનું વિતરણ કરાયું હતું. સ્વ-સહાય જૂથની 500 મહિલાઓને આજીવિકાલક્ષી પ્રવૃત્તિમાં જોડવા એક ખાનગી કંપની સાથે રાજ્ય સરકારની ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ MoU સાઈન કર્યા હતા.


