- નિયુક્ત વ્યક્તિના ગુનાહિત ઈતિહાસ બાબતે સ્પષ્ટતા કરવા સૂચના
- જાહેર હિતની અરજીમાં ત્રીજા જજની નિમણૂકની કાયદેસરતાને પડકાર
- વકફ્ ટ્રિબ્યૂનલના નિમણૂંકની કાયદેસરતાને પડકાર
ગુજરાત રાજય વકફ્ ટ્રિબ્યુનલના ત્રીજા સભ્ય(જજ) તરીકે અનવરહુસૈન મોહમંદરફીક શેખની નિમણૂંક કરવાના રાજય સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી જાહેરહિતની રિટ અરજીમાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે રાજય સરકાર પાસેથી આ ઉમેદવારના ગુનાહિત ઇતિહાસ-બાબતોને લઇ ખુલાસો માંગ્યો છે. હાઇકોર્ટે ગુજરાત રાજય વકફ્ ટ્રિબ્યૂનલના ત્રીજા સભ્ય(જજ) પદેથી તેમને દૂર કરવા અરજદારપક્ષ તરફ્થી ઉઠાવાયેલા મુદ્દાને લઇ રાજય સરકાર અને ટ્રિબ્યૂનલના જજને જવાબ રજૂ કરવા પણ નિર્દેશ કર્યો હતો.
અમદાવાદની બીબીજી મસ્જિદ, રાજપુર તરફ્થી કરાયેલી આ પીઆઇએલમાં વકફ્ ટ્રિબ્યૂનલના ત્રીજા જજની નિમણૂંકની કાયદેસરતાને પણ પડકારવામાં આવી છે. બીબીજી મસ્જિદના ટ્રસ્ટીઓ તરફ્થી કરાયેલી જાહરેહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, રાજય સરકારના કાયદા વિભાગ દ્વારા તા.7-2-2024ના જાહેરનામાથી ગુજરાત રાજય વકફ્ ટ્રિબ્યૂનલમાં ત્રીજા સભ્ય તરીકે અનવરહુસૈન મોહમંદરફીક શેખની નિમણૂક કરી છે, જે બિલકુલ ગેરકાયદેસર, અયોગ્ય અને ગેરબંધારણીય ઠરે છે. કારણ કે, તેઓ વકફ્ ટ્રિબ્યૂનલના ત્રીજા મેમ્બર(જજ) માટેની કોઇપણ પ્રકારની જરૂરી લાયકાત, પાત્રતા કે અનુભવ જ ધરાવતા નથી. તેમની માત્ર એક જ લાયકાત છે, કે તે શાસક પક્ષ ભાજપના સક્રિય સભ્ય છે. ટ્રિબ્યૂનલ એ સિવિલ કોર્ટ સમાન જ દરજ્જો ધરાવે છે એને તેની પાસે પણ એટલી જ સત્તા હોય છે.


