- ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે શહેર પોલીસ કમિશરનું જાહેરનામું હતું
- કલમ-144નું જાહેરનામું એ શહેર પોલીસ કમિશનરની સત્તાક્ષેત્રમાં આવતી બાબત:HC
- ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય છે: હાઈકોર્ટ
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય નેતા પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને લઇ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કલમ-144 હેઠળ જારી કરાયેલા જાહેરનામાને પડકારતી રાજપૂત સમાજ તરફ્થી કરાયેલી રિટ અરજી જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ ફ્ગાવી દીધી હતી. હાઇકોર્ટે અરજદારપક્ષને કોઇપણ રાહત આપવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો.
હાઇકોર્ટે ચુકાદો જાહેર કરતાં જણાવ્યું હતું કે, કલમ-144નું જાહેરનામું એ શહેર પોલીસ કમિશનરની સત્તાક્ષેત્રમાં આવતી બાબત છે અને ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય છે. વળી, જાહેરનામાથી કોઇ વિરોધ કે દેખાવો તેમ જ રેલી-સભા પર પ્રતિબંધ નથી ફરમાવાયો પરંતુ માત્ર કાળા વાવટા અને ઉશ્કેરણીજનક ભાષણ જ પ્રતિબંધિત કરાયુ છે. સત્તાવાળાઓ દ્વારા અરજદારની કોઇ રેલી કે મિટિંગ કે સભા સંબંધી અરજી નામંજૂર કરાઇ નથી અને તેથી અરજદારની દાદ ગ્રાહ્ય રાખવા માટે કોઇ કારણ બનતુ નથી. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પ્રચારના સમયમાં કેટલાક લોકો અને જૂથો દ્વારા એક યા બીજા કારણસર કે વિરોધ હેઠળ કાળા વાવટા ફરકાવે, પ્લેકાર્ડ-બેનરો અને ઉશ્કેરણીજનક ભાષણ કે પ્રવચન, સૂત્રોચ્ચાર કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમમાં મૂકે ત્યારે તેનાથી તોફનોની સ્થિતિ કે જનતાની સલામતી જોખમમાં મૂકાય તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે , તેથી નાગરિકોની સલામતી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે આ જાહેરનામાથી કાળા વાવટા ફરકાવવા સહિતની બાબત પ્રતિબંધિત કરાઇ છે. સરકારે દલીલ કરી કે, ભૂતકાળમાં ગંભીર બનાવો બનેલા છે અને તેથી જાહેર સલામતી, તકેદારી અને જાહેર સુલેહ-શાંતિને ધ્યાનમાં રાખીને જાહેરનામું જારી કરાયું છે.


