અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આજે મોટી સફળતા મેળવી છે. વિદેશથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા આઇફોનના મોટા જથ્થાની દાણચોરી કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે દુબઈથી આવેલી એક મહિલા યાત્રીને અટકાવીને તેની સઘન તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મહિલાના સામાનમાંથી 30 નંગ આઇફોનનો જથ્થો મળી આવ્યો હતો.
કસ્ટમ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી
દાણચોરી કરીને લાવવામાં આવેલા આ 30 આઇફોનની બજાર કિંમત આશરે 43 લાખ રૂપિયા જેટલી થાય છે. કસ્ટમ અધિકારીઓ દ્વારા આઇફોનનો સમગ્ર જથ્થો તાત્કાલિક જપ્ત કરી લેવામાં આવ્યો છે. મહિલા યાત્રીની પૂછપરછમાં દાણચોરીના આ નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે, તે જાણવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કસ્ટમ વિભાગે દાણચોરીના પ્રયાસ બદલ મહિલા મુસાફર વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.


