- ચૂંટણી પંચે નક્કી કરેલી માર્ગદર્શિકા મુજબ 170 વસ્તુ સાથેની ત્રણ કિટ રખાશે
- ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલામાં વેલ્ફેર, હાઈજીન અને મેડિકલ કિટનું વિતરણ થયું
- મતવિસ્તાર વાઇઝ બૂથની સંખ્યા પ્રમાણે પ્રતિબૂથ એક કિટ તૈયાર કરાઇ
લોકસભા ચુંટણી-2024 અંતર્ગત 7મી મે, મંગળવારના રોજ સવાર 7.00થી સાંજના 7.00 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો રહેવાની આગાહી પણ કરાઇ છે. જેના પગલે અમદાવાદ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ગરમીના લીધે મતદાન પર જોડાયેલા ચુંટણી સ્ટાફ અને મતદારો માટે પ્રથમવાર વેલ્ફેર, હાઇજીન અને મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચુંટણી પંચની ગાઇડલાઇન મુજબ ત્રણેય કિટમાં કુલ 170 જેટલી વસ્તુઓ અપાશે.
ચુંટણી તંત્ર દ્વારા પ્રત્યેક વિધાનસભા મતવિસ્તાર વાઇઝ તેમાં સમાવિષ્ટ બૂથની સંખ્યા પ્રમાણે પ્રતિબૂથ એક કિટ તૈયાર કરાઇ છે. જે કિટમાં ચુંટણી પંચની નિર્દેશિકા અનુસાર નાની ટાંકણીથી લઇને પોસ્ટર સુધી તમામ પ્રકારની નાની મોટી સામગ્રીઓ, સ્ટેશનરીની આશરે 31 વસ્તુઓ, કવર, ફોર્મ, અવિલોપ્ય શાહી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી સામગ્રીઓ રાજ્ય ચુંટણી તંત્ર તથા જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હિટવેવની આગાહી જોતાં અમદાવાદ જિલ્લામાં મતદાન કરનાર નાગરિકો અને ચુંટણીની પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે તે હેતુથી દરેક બુથ પર 3 જેટલી વિશેષ કિટનું વિતરણ કરાશે. વેલ્ફેર કિટમાં સૂકો નાસ્તો, ચોકલેટ, બિસ્કીટ, હાઇજીન કિટમાં સાબુ, મોસ્કિટટો રેપિલન્ટ અને મેડિકલ કિટમાં જરુરી દવાઓ અને ર્ંઇજીના પેકેટ પણ મૂકાશે. વિધાનસભા મતવિસ્તારમાં રુટ પ્રમાણે એક કિટ રિઝર્વ રખાશે.


