- ગુજરાત હાઇકોર્ટે ક્ષત્રિય સમાજની અરજી ફગાવી
- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર કર્યો હતો પરિપત્ર
- કમિશનરના પરિપત્રને યોગ્ય ઠેરવતી ગુજરાત હાઇકોર્ટ
લોકસભા ચૂંટણીની સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલ વિરોધ પણ ચર્ચામાં છે અને તેને લઈને સતત રાજકારણ ગરમાતુ રહે છે. ત્યારે આજે ફરી એકવાર ક્ષત્રિય સમાજને લઈને ચર્ચાઓ અને રાજકારણ ગરમાઈ ગયું છે. ગુજરાત હાઇકોર્ટે ક્ષત્રિય સમાજને મોટો ઝટકો આપતા કાળા વાવટા ફરકાવવાની મંજૂરી માંગતી અરજી ફગાવી દીધી છે.
મહત્વનું છે કે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા થોડા સમય પહેલા એક પરિપત્ર જાહેર કરીને શહેરમાં કાળા વાવટા ફરકાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીની સાથે સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવવાની મંજૂરી માંગવામાં આવી હતી.
ક્ષત્રિય સમાજની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જોકે, સુનાવણી બાદ હાઇકોર્ટે ક્ષત્રિય સમાજની માંગ ફગાવી દીધી હતી. તેની સાથે સાથે હાઇકોર્ટે કમિશનરના પરિપત્રને યોગ્ય ઠેરવતા ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે કમિશનરના જાહેરનામાથી કોઇની સ્વતંત્રતા છીનવાતી નથી., ત્યારે કહી શકાય કે હાઈકોર્ટના ચુકાદાથી ક્ષત્રિય સમાજને ચોક્કસ ફટકો પડ્યો છે.


