અમદાવાદના સૈજપુર-નરોડા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે એક એક્ટિવાચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. લાંબા સમયથી તૂટેલું ગટરનું ઢાંકણું આ જીવલેણ અકસ્માતનું કારણ બન્યું હતું. એક્ટિવાચાલક તૂટેલા ઢાંકણા પાસે પટકાતાં તેને ગંભીર ઈજાઓ થઈ અને તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે તંત્રની બેદરકારીની પોલ ખોલે છે.
કોર્પોરેશન પર ગંભીર આક્ષેપો
આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ કોર્પોરેશન પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, તૂટેલા ઢાંકણા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અને અધિકારીઓ ઉડાઉ જવાબ આપી છટકવાનો પ્રયાસ કરતા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાઈ
જનતાના આક્રોશ અને ગંભીર બેદરકારીના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. સૈજપુર વોર્ડના આસીસ્ટન્ટ ઈજનેર નિલેશ પટેલ અને ટેકનિકલ સુપરવાઈઝર દર્પણ ચોટલિયાને તેમની ફરજમાં ગંભીર બેદરકારી બદલ ફરજ મુક્ત (સસ્પેન્ડ) કરી દેવાયા છે. ઘટના બાદ બંને અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી, જેના જવાબમાં બેદરકારી સ્પષ્ટ જણાતા આ પગલું લેવાયું છે. હાલમાં બંને વિરુદ્ધ વિજિલન્સ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.


