- બાવળામાં બોગસ MBBS ડૉક્ટરથી ચાલતી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ
- એક સગીરાના મોત બાદ વાઇરલ થયેલા વીડિયોથી તપાસ કરતા નકલી હોસ્પિટલનો ભાંડો ફૂટયો
- બે મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં કેમ ના આવ્યું ?
રાજ્યમાં બોગસ સરકારી કચેરીઓ પછી હવે 24 કલાક ચાલતી આખેઆખી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ જ બોગસ નીકળતા ખળભળાટ મચી ગયો છે. બાવળા અને આસપાસના તાલુકાઓના લોકોના જીવ અધ્ધર થઇ ગયા છે. એક સગીરના મોતના વાયરલ વિડિયો પરથી જિલ્લા પંચાયતના સીડીએચઓએ તેમની ટીમ સાથે રેડ કરતાં સ્ટાફ ગભરાઇ ગયો હતો.
તપાસમાં ડોકટર મહેલુ ચાવડા બોગસ MBBS ડોકટર હોવાનું બહાર આવતા અનન્યા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરી હતી. હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ, ગાયનેક, પીડિયાટ્રિક, ENT, ઓર્થોપેડિક સહિતની વિવિધ સારવાર 24 કલાક અપાતી હતી. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં નળસરોવર રોડ પર કેરાળા ગામમાં છેલ્લા બે મહિનાથી ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડાંની જગ્યામાં ખુલ્લેઆમ નકલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલતી હતી. જિલ્લા સીડીએચઓ શૈલેષ પરમારે કહ્યું કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન સગીરાનું મોત થયા હોવાના અહેવાલ સાથેનો વાઇરલ વીડિયો જોયા પછી ડોકટર અને હોસ્પિટલ અંગે ઓનલાઇન જાણકારી મેળવી હતી, જે બોગસ હોવાની શંકા જતાં બુધવારે જ રેડ કરી હતી. રેડ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બોગસ હોસ્પિટલમાં નાની-મોટી તમામ સારવાર અને સર્જરી પણ થતી હતી. હોસ્પિટલની સજાવટથી આકર્ષાઇને દર્દીઓ સારવાર લેતાં હતાં.
તપાસ માટે ગયા ત્યારે બોગસ MBBS ડોકટર મેહુલ ચાવડા હાજર ન હતો. બે મહિનાથી આ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં કેમ ના આવ્યું ? આ સિવાય મામલતદાર કે પ્રાંત કચેરીનો સ્ટાફ શું ધ્યાન રાખે છે ? તેવો સ્થાનિક રાજકીય હોદ્દેદારોએ પ્રશ્ન કરતાં કહ્યું કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં ના થાય તે માટે સમગ્ર જિલ્લામાં ચાલતી નાની-મોટી દરેક હોસ્પિટલમાં સ્થળ તપાસ થવી જોઇએ.
નર્સ સહિતનો સ્ટાફ રાજ્ય બહારનો બિનશૈક્ષણિક અને બિનઅનુભવી હતોઃ જિલ્લા આરોગ્ય વિભાગ
હોસ્પિટલમાં નર્સ સહિતનો સ્ટાફ રાજ્ય બહારનો બિનશૈક્ષણિક અને બિનઅનુભવી હતો. હોસ્પિટલની સારવાર અંગે સામાન્ય ટ્રેનિંગ લઇને દર્દીને ઇન્જેક્શન આપવાથી લઈ તમામ પ્રકારની આરોગ્ય ચકાસણીની સાથે સારવાર પણ કરી આપતાં હતાં. નાની-મોટી સર્જરીમાં ડોક્ટર સાથે હાજર રહેતા હતાં. બોગસ ડોકટરની ગેરહાજરીમાં પણ સારવાર આપતા હતાં.


