- કોમી તોફાનોમાં જાહેર મિલકત-જાનમાલને નુકસાન અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે HCમાં સુનાવણી
- રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડનું ગઠન નહીં થયું હોવા છતાં ડીજીપી કક્ષાના અધિકારીની ચેરમેન તરીકે નિમણૂક કરી
- અડધી જગ્યાઓ પર જ ભરતી પ્રક્રિયા કરવી એ પ્રજાના નાણાંનો વ્યય : HC
કોમી તોફનો દરમ્યાન જાહેર મિલ્કત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટો પીઆઇએલમાં ખાલી જગ્યાઓ અને ભરતીમાં ઉદાસીનતા મામલે આજે ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજય સરકારને ગંભીર ફ્ટકાર લગાવીને માર્મિક ટકોર કરી હતી કે, રાજય પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે.
એવું જણાય છે કે, જનતા જાણે સરકાર અને ગૃહ વિભાગના અધિકારીઓ દયા પર જીવતી હોય. હાઇકોર્ટે પોલીસ તંત્રમાં ભરતી અંગે નક્કર પગલાં લેવા સાથે બ્લુ પ્રિન્ટ રજૂ કરવા ગૃહ સચિવને હુકમ કર્યો હતો. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ગૃહ વિભાગના સોગંદનામાને અસ્પષ્ટ અને અધૂરી વિગતો સાથેનું જણાવતાં સરકારપક્ષ તરફ્થી સ્પષ્ટ અને યોગ્ય સોગંદનામું રજૂ કરવા સમય માંગવામાં આવતાં હાઇકોર્ટે સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું કે, સરકાર હાઇકોર્ટની ધીરજની પરીક્ષા લેવાનું બંધ કરે, જો સરકાર દ્વારા યોગ્ય રીતે જવાબ આપવામાં નહીં આવે તો પછી હાઇકોર્ટ ગૃહ વિભાગના સચિવ સામે અદાલતના તિરસ્કારની નોટિસ કાઢી અને કાર્યવાહી કરશે. હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓની એ મુદ્દે પણ ઝાટકણી કાઢી હતી કે, રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડનું ગઠન નહીં થયું હોવા છતાં ડીજીપી કક્ષાના અધિકારીની ચેરમેન તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે. જ્યારે પોલીસ ભરતી બોર્ડ છે તેના જે ચાર સભ્યો છે તેની હજી સુધી નિમણૂક કરવામાં આવી નથી. અદાલતે એવી પણ કટાક્ષ કરી હતી શું આ નિમણૂક હવામાં કરવામાં આવી છે કારણ કે બોર્ડનું અસ્તિત્વ તો છે જ નહીં તો કેવી રીતે ચેરમેનનું નિમણૂક થઈ શકે ? આ તમામ બાબતોની હાઇકોર્ટે ગંભીર નોંધ લઈ અને સરકારને છેલ્લી તક આપી વધુ સુનાવણી તા.26 જૂલાઇએ રાખી હતી.
અડધી જગ્યાઓ પર જ ભરતી પ્રક્રિયા કરવી એ પ્રજાના નાણાંનો વ્યય
ચીફ જસ્ટીસની ખંડપીઠે જણાવ્યું હતું કે, પોલીસ તંત્રમાં થતી ભરતી પ્રક્રિયામાં પ્રજાના નાણાં જ વપરાતા હોય ત્યારે ખાલી જગ્યાઓ પૈકી અડધી જગ્યાઓ જ ભરવાની પ્રક્રિયા હાથ ધરવી કેટલા અંશે ઉચિત કહી શકાય…? બેરોજગારીની સંખ્યા પણ જોતાં અડધી જગ્યાઓ પર જ ભરતી પ્રક્રિયા હાથ ધરવી એ પ્રજાના નાણાંનો વ્યય કહી શકાય. હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, રાજય પોલીસ તંત્રમાં હજુ પણ 50 ટકા જગ્યાઓ ખાલી છે અને છેલ્લા એક વર્ષથી કોઇ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ નથી.
લોકોનું જીવન ગૃહ વિભાગના અધિકારીઓની દયા ઉપર નિર્ભર : HC
હાઇકોર્ટની ખંડપીઠે આકરા શબ્દોમાં જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી મોટા પ્રમાણમાં પોલીસ દળમાં જગ્યાઓ ખાલી છે અને સરકાર માત્ર 50 ટકા જેટલી જગ્યાઓ જ ભરવા માંગે છે. અમે રાજ્યના ગૃહ વિભાગના વલણ પ્રત્યે ભારોભાર નારાજગી દર્શાવીએ છીએ કારણકે રાજ્યમાં કાયદો અને સ્થિતિની જવાબદારી ગૃહ વિભાગના શિરે છે. પોલીસ ડિપાર્ટમેન્ટની સીધી જ અસર લોકોના જનજીવન પર થાય છે પરંતુ ખૂબ જ ખેદજનક વાત છે કે લોકોનું જીવન ગૃહ વિભાગના અધિકારીઓની દયા ઉપર નિર્ભર છે.


