- ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયેલ 3.50 કરોડનો સિન્થેટીક ગાંજાનો મામલો
- મુખ્ય પાંચ પેડલરોને પકડવા મુંબઇ, દિલ્હી અને બેંગ્લોરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધામા નાંખ્યા
- ડ્રગ્સ માફિયા અને પેડલરોની કમર તોડીને બાળકોને ડ્રગ્સ મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયેલ સેન્થેટિક ગાંજા મામલે 100 સગીર પૈકી 25 સગીરોના પરિવારજનોને ક્રાઇમ બ્રાન્ચે જાણ કરીને બે દિવસમાં કાઉન્સેલિંગ માટે ગાયકવાડ હવેલીએ બોલાવ્યા છે. જેમાં મનોવૈજ્ઞાનિક તબિબો સગીરોનું કાઉન્સેલિંગ કરશે.
આ ઉપરાંત, નશાની લતમાંથી છોડાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ સગીરોને રિહેબ સેન્ટરમાં સારવાર કરાવવા માટે મદદ પણ કરશે. બીજી તરફ, અમદાવાદનો બે પેડલરો પૈકી એક બેંગ્લોરમાં અને એક મુંબઇમાં સંતાયો હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી છે. આથી બેંગ્લોરમાં 2, મુંબઇમાં 2, દિલ્હીમાં 1 ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ધામાં નાંખવામાં આવ્યા છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યુ કે, તમામ વાલીઓ બાળકો પ્રત્યે થોડું વધારે ધ્યાન આપે. અમે ડ્રગ્સ માફિયા અને પેડલરોની કમર તોડીને બાળકોને ડ્રગ્સ મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને તા. 21 જૂનના રોજ શાહિબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાં દરોડો પાડીને 58 જેટલા પાર્સલમાંથી સેન્થેટિક ગાંજો અને લિક્વિડ ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો. જેમાં 58 પાર્સલ તેમજ અગાઉ પકડેલા 7 પાર્સલ પર લખેલા એડ્રેસના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 100 સગીર મળીને 150 વ્યકિતને ડ્રગ્સનું સેવન કરતા હોવાનું આઇડેન્ટિફાય કર્યા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચે રવિવારે 7 જેટલા વ્યકિતને બોલાવીને મનોવૈજ્ઞાનિક તબિબો મારફતે કાઉન્સેલિંગ કરાવ્યુ હતુ. આ બાદ 100 પૈકી 25 જેટલા સગીરોના પરિવારજનોને જાણ ક્રાઇમ બ્રાન્ચે જાણ કરી હતી.
આટલુ જ નહીં, સગીરોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવીને અગાઉના સગીરોનું જેમ તેમનું પણ કાઉન્સેલિંગ કરીને નશાની લત છોડાવવા માટે મદદ કરશે. આ ઉપરાંત, ક્રાઇમ બ્રાન્ચે સેન્થેટિક ગાંજો મંગાવનારા મુખ્ય પાંચ પેડલરોને પકડવા માટે મુંબઇ, બેંગ્લોર, દિલ્હી ખાતે પાંચ ટીમોએ ધામાં નાંખ્યા છે.


