- વાહનવ્યવહાર વિભાગે ઉકેલ નહીં લાવતા અચોક્કસ મુદત હડતાળ પર ઉતરશે: સ્કૂલ વર્ધી વાહન એસોસિયેશન
- ખાનગી વાહનોમાં વર્ધી કરનારાના ફિટનેસ, પરમિટ, થર્ડ પાર્ટી વીમો વગેરે ચેક કરવાની ઝુંબેશ
- આરટીઓ અધિકારીઓ વિવિધ સ્કૂલો પર સરપ્રાઇઝ ચેકિંગ કરશે
સ્કૂલવર્ધીના અમદાવાદના 15 હજાર સહિત રાજ્યના 80 હજાર વાહનો આવતીકાલ 18મી જૂન, મંગળવારના રોજ થંભી જશે. જેના લીધે મંગળવારથી વાલીઓને બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા જવાની જવાબદારી ઊઠાવવી પડશે. સાથો વાલીઓની ચિંતા પણ વધી ગઇ છે.
સ્કૂલવર્ધી વાહન એસોસિએશનને કહ્યું કે, વાહનવ્યવહાર વિભાગે ઉકેલ નહીં લાવતા અચોક્કસ મુદત હડતાળ પર ઉતરશે. બીજી બાજુ સ્કૂલવર્ધીના વાહનમાં વ્હાઇટ નંબર પ્લેટ (ખાનગી વાહન), ફિટનેસ, પરમીટ, થર્ડ પાર્ટી વીમો નહીં હોય તો RTO કાર્યવાહી કરવા મક્કમ છે.
રાજકોટની ઘટના પછી સ્કૂલવર્ધીના નિયમોને લઇને વિવાદ વકર્યો છે, પરંતુ વાહનવ્યવહાર વિભાગે 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં ? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ, એઆરટીઓ, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. આરટીઓ અધિકારીએ કહ્યું કે, ખાનગી વાહનમાં બાળકોને લઇ જવાતા હશે તો, વાહન ડિટેઇન કરશે. સરકારમાંથી નવી કોઇ સૂચના આવી નથી. જેથી આરટીઓ દ્વારા ડ્રાઇવ કરાશે. આરટીઓ અધિકારીઓ વિવિધ સ્કૂલો પર સરપ્રાઇઝ ચેકિંગ કરશે, જેમાં સ્કૂલ સંચાલકોની લાપરવાહી બહાર આવશે તો સંબંધિત સ્કૂલને પણ નોટિસ અપાશે.
બીજી તરફ વાલીઓએ કહ્યું કે, સરકારી તંત્ર અને સ્કૂલવર્ધી વાહન એસોસિએશન વચ્ચેના વિવાદના લીધે વાલીઓ પરેશાન થવાના છે. ભાડાં વધારા પછી પણ આવી જ હેરાનગતિ હોય તો વાલીઓ શું કરે ? સ્કૂલવર્ધી વાહનો વર્ષોથી દોડે છે. આમ છતાં સમયાંતરે નિયમોને લઇને વિવાદ થાય છે.
બાળકોને સ્કૂલે સાઇકલ લઇને મોકલતા ડર લાગે છે : મહિલાઓ
અમારા બાળકોને સ્કૂલે સાઇકલ લઇને મોકલતા ડર લાગે છે. રસ્તા પર લોકો આડેધડ વાહનો ચલાવે છે. પોલીસ રસ્તા પર ન હોવાથી લોકો વધુ બેફામ વાહનો હંકારે છે. આવા વાહનચાલકોને સીસીટીવી કેમેરાનો કોઇ ડર રહેતો નથી. ખરેખર તો રસ્તા પર પોલીસ હોવી જોઇએ અને સ્કૂલે જતાં બાળકોને પોલીસ દ્વારા ટ્રાફિક સુવિધા અને સુરક્ષા મળે તેવી વ્યવસ્થા થવી જરૂરી છે. જેનાથી પ્રેરાઇને વાલીઓ પોતાના બાળકોને સાઇકલ લઇને સ્કૂલે મોકલતા થાય.


